- ધારીયા જેવા તિક્ષણ હથિયાર વડે અજાણ્યો યુવક હત્યા નિપજાવી નાસી છૂટ્યો
- પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ મામલે હત્યા થઈ હોવાની આશંકા
- પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જર જોરૂ અને જમીન આ ત્રણ કજીયાના છોરૂ આ કહેવત સાર્થક કરતો કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાં મેલડીપરા વિસ્તારમાં રહેતા એક 18 વર્ષીય ચેતન કોળીના યુવકને પ્રેમ સંબંધમાં જીવ ખોવાનો વારો આવ્યો છે. ચેતનને શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી જેનું વેરઝેર રાખી અને યુવતીના ભાઇએ ચેતન કોળીનું ઘર નજીક જ ધારીયાના ઘા મારી ઢીમ ઢાળી દેતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધે હત્યા
જિલ્લામાં જાણે ગનાખોરોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ રોજ હત્યા, ધાકધમકી આપવી, જુથ અથડામણ, ફાઇરીગ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. પોલીસ સબ સલામતીના દાવાઓ કરતી હોઇ છે અને ગુનેગારો પોતાના ઇરાદાઓ પાર પાડતા હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તાર મેલડીપરા જે મેડીકલ કોલેજ પાછળ વિસ્તાર આવેલી છે ત્યાં એક પ્રેમ સંબંધમાં યુવકને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મેલડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ માહાદેવભાઇ કોળી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમને એક પુત્ર છે. જેનું નામ ચેતન ઉ.વર્ષ 18 છે. ચેતન કોળીને શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતી આરતી સાથે પ્રેમ સંબધ હતો અને બન્ને અવાર નવાર ચોરી-છુપીથી મળતા હતા, પરંતુ આ પ્રેમ સંબધ યુવતીના ભાઇ હર્ષ જાદવજીભાઇને પસંદ ન હતો. જેથી ચેતન મેલડીપરા વિસ્તારમાં આવેલી કરીયાણાની દુકાન નજીક ઉભો હતો, ત્યારે યુવતીનો ભાઇ હર્ષ જાદવજીભાઇ મેમકીયાએ ધારીયાના આડેધડ ઘા ઝીકી બહેનના પ્રેમી ચેતનનું ઢીમઢાળી અને ત્યાંથી ફરાર થયો હતો.
આ ઘટના સમી સાંજના બનતા મેલડીપરા વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો અને ઘટનાની જાણ થતા ચેતનાના પિતા ભરતભાઇ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ડોકટરોએ ચેતનને મૃત જાહેર કર્યો હતો. શહેરના મેલડી પરા વિસ્તારમાં યુવતી સાથે પ્રેમ સંબધ રાખવો યુવકને ભારે પડયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં શહેરની A- ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઇ અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતક ચેતનના પિતા ભરતભાઇએ ફરીયાદ નોંધી અને હત્યા કરી નાસી છૂટનારા હર્ષને ઝડપવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. હવે એ જોવું રહયું કે, હત્યારો કયારે ઝડપાઇ છે અને કાયદો તેને શું સજા આપે છે, પરંતુ પ્રેમ સંબંધમાં એક હસ્તો ખેલતો પરિવારનો લાડકવાયો હાલ ચાલ્યો જતા પરીવારજનો પર વ્રજઘાત પડયો છે.