આ વિસ્તારમાં સિંહ છે તેની પુષ્ટી કરતો એક વિડીયો પણ મળી આવ્યો હતો. સાથે જ જે માલધારીઓના પશુઓનું મારણ થયું હતું તેમને સરકારી નિયમ મુજબ એક ઢોર દીઠ 16000 રૂપિયાની સહાયનાં ચેક આપવામાં આવ્યા હતા. સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરવા તેમને જણાવાયું હતું.
સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનાં ઘણા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટવાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી, અને તેમનો કિંમતી સમય પણ બચી જાય છે.
ગ્રામજનોનાં હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહી તેમજ ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં, સિંહ ગામની આસપાસ હોય ત્યારે ઢોરને ખુલ્લામાં બાંધવા નહી તેમજ સિંહે મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહી વગેરે બાબતે સજાગતા રાખવાનું જણાવાયું છે. હાલ સિંહ ચોટીલા,વિંછીયા,જસદણની ગામની બોર્ડર પર સિંહની હરકત જોવા મળી છે. તેમજ વન વિભાગ દ્વારા સિંહ પર નજર રાખવામાં આવી રહી છે.