સમગ્ર રાજયમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસ સહિતના પાકોમાં અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને જિલ્લામાંથી દેશ-વિદેશ સુધી કપાસની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં ખેડુતોએ મોંઘા બિયારણો, ખાતર અને તનતોડ મેહનત કરી અને હજારો હેકટર જમીનમાં કપાસ, એરંડા, જુવાર, અને લીંબુ, જામફળ, શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. પરંતુ ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં સીઝનનો વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વઢવાણ તાલુકાના મેમકા ગામ અને આજુ-બાજુમા અંદાજે 1500 વીઘા જમીનમાં ઢીચણ સમાણા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રેહેતા ખેડૂતોના વાવેતર કરેલા પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચિંતિત ખેડૂતો જણાવી રહ્યાં છે કે, ખજેલીથી સાંકળી જવા માટે નવો રસ્તો સરકારે બનાવ્યો તેમાં કોઇ કોઝવે કે કોઇ પાણી નિકાલના પાઇપો ન મુકાતા ખેતરોમાં પાણી ભરાઇ ગયું છે અને હવે આ પાણી પંદર દિવસ સુધી નહીં ઓશરે જેથી વાવેતર કરેલા જામફળ, તલ, જુવાર, કપાસ ,મગફળી, એરડા જેવા પાકો નિષ્ફળ જશે જેથી ખેડૂતો પાયમાલ બનશે અને ખેડૂતોને આપધાત કરવાનો વારો આવશે. સરકાર ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માગ પણ કરી હતી.
હાલ જો તાત્કાલિક ધોરણે ખેતરોમાંથી પાણી નહીં નીકળે તો જામફળ, લિંબુ જે પાક છે એ પણ બળીને ખાખ થઈ જશે. જામફળ અને લિંબુ પાછળ દર વષે એકથી દોઢ લાખનો ખર્ચ થાય છે અને 5 વર્ષ એનો પાક મળે છે. તેમજ કપાસ, જુવાર, તલ, એરડા, મગફળીમાં એક વીઘાએ શરૂઆતમાં જ 5 થી 7 હજાર ખર્ચ અને પાછળી 5 થી 7 ખર્ચ થતો જેથી અંદાજીત 12 હજાર જેટલો વર્કખર્ચ થતો હોય છે પણ ભારે વરસાદને કારણે હવે આ ખર્ચ પણ નીકળે તેવું નથી. તેથી સરકાર દ્રારા ખેતરોમાંથી પાણી કાઢવામાં આવે તેમજ યોગ્ય સહાય ચુકવામાં આવે નહીંતર ખેડૂતો પાઈમાલ થશે.