સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં લોક રક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ઠેર ઠેર વિરોધ તેમજ આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે તાજેતરમાં સરકારે મહિલા ઉમેદવારોની સીટમાં 2485 સીટનો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. જેની સામે સુરેન્દ્રનગરના યુવાનોએ આ ભરતી પ્રક્રિયા મામલે સરકારે બહાર પાડેલા તારીખ 1 ઓગસ્ટે 2018ના ઠરાવને હમેશા માટે રદ કરવાની માગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.
આ આવેદનમાં જણાવાયું હતું કે, સૌપ્રથમ તો સરકાર દ્વારા 2018નો ઠરાવ કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ છે. તેમજ સરકારે હાલ જે મહિલાઓની સીટમાં વધારો કર્યો છે, જેના કારણે સર્વ સમાજના અંદાજે 5 હજારથી વધુ પુરૂષ ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે. આ ઉમેદવારો અને તેમના પરિવારોના હીતને ધ્યાને લઇ સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માગ છે.