- જોરાવરનગરના વેપારીની હત્યાનો મામલો
- પોલીસે આરોપીઓની કરી ધરપકડ
- વેપારીની હત્યા કરી આવાવરૂ જગ્યાએ નાખી થયા હતા ફરાર
સુરેન્દ્રનગરઃ શહેરના જોરાવરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ચૌહાણ નામના વેપારીનો મૃતદેહ બે દિવસ પહેલા ખેરાળી ગામ નજીક આવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો, અને આ હત્યામાં મરણ જનારની પત્નીએ ચાર આરોપીઓ સામે આડા સંબંધમાં હત્યા કરી હોવાની ફરિયાદ નામ જોગ આપી હતી. જેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શહેરના વેપારીની હત્યામાં સંડોવાયેલા મોહીત ભરવાડ, મહેશ ઉર્ફે મૈયો પટેલ, રાજુ કોળી, ઇકબાલ રીક્ષાવાળાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડયા
પોલીસે બાતમીના આધારે નર્મદા કેનાલ પરથી ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ચારેય આરોપીઓને આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત આપી હતી કે, મૈયો પટેલ આ કેસનો મુખ્ય આરોપી હોઇ તેણે સંપુર્ણ પ્લાન ઘડયો હતો. મૈયો પટેલની બીજી પત્ની ઉર્વશી ડાભી સાથે મળી આ સંપુર્ણ પ્લાન ઘડયો હતો અને વેપારી ભરતભાઇ ચૌહાણ કરીયાણાની દુકાન ધરાવતા હોઇ ઉર્વશીને પહેલા અવાર નવાર ભરતભાઇની દુકાનો મોકલી પરીચય કેળવી અને ભરતભાઇના નંબર મેળવી પહેલા ઉર્વશીએ ભરતભાઇને મીસ કોલ મારી અને પછી વાતચીતનો સીલસીલો ચાલુ કર્યો હતો અને વેપારીને પહેલાથી પ્લાન મુજબ રતનપર મકાનમાં મળવા બોલાવી અને કબાટમાં મોબાઇલ મુકી અંગત પળોનું વીડિયો સુટીંગ ઉતારી લીધેલ હતુ અને ત્યારબાદ વેપારીને આરોપીઓ વારંમવાર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતા હતા અને રૂપીયા ખંખેરતા હતા.
વેપારી પાસે રૂપીયા 8 લાખની કરી હતી માગણી
ત્યારે ઉર્વશી ડાભીએ ભરતભાઇને મળવા બોલાવી સાગરીતોને મીસ કોલ મારી બોલાવી લીધા હતા. જેથી ચારેય આરોપીઓએ ભરતભાઇને માર મારી અને વીડિયો ડીલીટ કરવાના રૂપીયા 8 લાખની માગણી કરી હતી, પરંતુ વેપારીએ રૂપીયા 5 લાખ આપવાની તૈયારી બતાવી હતી અને વધુ રકમ માટે વેપારીને લાકડાના ફટકા મારી હત્યા કરી આવાવરૂ જગ્યાએ નાખી ફરાર થયા હતા.
અનેક જગ્યાએ લોકોને ફસાવી અને શિકાર બનાવ્યાં
આરોપીઓએ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને ફસાવી અને શિકાર બનાવ્યાં છે. ત્યારે જે કોઇ પણ લોકો જો આ ટોળકીના શિકાર બન્યા હોઇ તો ફરીયાદ કરવા આગળ આવવા પોલીસે અપીલ કરી છે. આરોપીઓ મોહીત ભરવાડ, મહેશ ઉર્ફે મૈયો પટેલ, રાજુ કોળી, ઇકબાલ રીક્ષાવાળા આ ચારેય આરોપીની પોલીસે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં આ ટોળકીએ શહેરના કેટલા લોકોને ફસાવી હની ટ્રેપમાં ફસાવ્યાં છે તે રાજ ખુલશે. ત્યારે જોરાવરનગરના એક વેપારીને આરોપીઓએ વધુ રૂપીયા ખંખેરવાની લાલચમાં મોત આપ્યુ છે અને એક ચાર વર્ષના બાળક અને પત્નીની છત્રછાયા છીનવી લીધી છે.