કોળી સમાજના ઇષ્ટદેવ વીરમાંધાતા સમગ્ર કોળી સમાજમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે વીરમાંધાતાની જન્મજયંતિ નિમિતે સુરેન્દ્રનગર કોળી સમાજ દ્વારા વીરમાંધાતા પ્રાગટ્ય શોભાયાત્રાનું આયોજન શહેરની આર્ટસ કોલેજ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ટાવર ચોક ખાતે સંપન્ન થઇ હતી.
આ શોભાયાત્રામાં કોળી સમાજના યુવાનો અને લોકો શોભાયાત્રા દરમિયાન ડી.જે. અને ઢોલ નગારાના તાલે ઝૂમ્યા હતા. જય માંધાતાના નાદ સાથે નારાઓ લગાવ્યા હતા. વ્યસન મુક્તિ, બેટી બચાવો-બેટી પઢાઓ, શિક્ષણનું મહત્વ કોળી સમાજમાં વધે અને લોકો જાગૃત થાય તે માટે ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને અનુરોધ કર્યો હતો. આ શોભાયાત્રામાં સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ સહિત કોળી સમાજના આગેવાનો, સંતો-મહંતો, ભાઈઓ-બહેનો જોડાયા હતા.