- LCB પોલીસે હાઈવે પર ચાલુ વાહનોમાંથી ચોરી કરતી ગેંગનો ઝડપી પાડ્યો
- ચાલુ વાહનોમાંથી ચોરી કરેલા મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
- કુલ રૂપિયા 27.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર : જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે સહિત ધ્રાંગધ્રા-વિરમગામ સહિતના હાઇવે પર ચાલુ વાહનોમાંથી કિંમતી મુદ્દામાલની ચોરીના બનાવો વધી રહ્યા છે. સુરેન્દ્રનગર LCB પોલીસે હાઇવે પરથી ચોરી કરેલ મુદામાલને સંગ્રહ કરતા એક શખ્સને ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામેથી ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
વાહનોમાં ચોરી કરતી ગેંગના 13 જેટલા આરોપીઓને પકડાયા
સુરેન્દ્રનગરના અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે સહિત ધ્રાંગધ્રા-વિરમગામ સહિતના હાઇવે પર ચાલુ વાહનોના રસ્સા અને તાડપત્રી કાપી કિંમતી મુદ્દામાલની ચોરીના બનાવો વધી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં હાઇવે પર ચાલુ વાહનોમાં ચોરી કરતી ગેંગના 13 જેટલા આરોપીઓને સરકારના નવા ગુજસીટોક હેઠળ ઝડપી પાડી ગુનો નોંધી જેલ હવાલે કર્યા છે.
જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી ટીમો બનાવી તપાસ હાથ ધરી
હાઇવે પર ચોરીના બનાવો બનતા જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી તથા DYSP એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો અને ટેક્નિકલ સોર્સની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી હનિફખાન ઉર્ફ કાળો મુન્નો આમીરખાન જત મલેક તથા હજરતખાન અનવરખાન જત મલેકળા ગેંગના મુખ્ય સૂત્રધાર છે. તેમને ઝડપી પાડી તેમજ ચોરી કરેલ કિંમતી મુદ્દામાલ કબ્જે કરવા માલવણ, ગેડીયા, ઇંગરોડી, સેડલા, ખેરવા, સોખડા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
કુલ રૂપિયા 27.05 લાખનો મુદ્દામાલ કબજે
બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે રહેણાંક મકાનમાંથી શખ્સ અમિત રમણિકભાઈ ચિહલાને હાઈવે પર ચાલુ વાહનોમાંથી ચોરી કરેલ કિંમતી મુદ્દામાલ વોશિંગ મશીન, A.C., LED T.V., કાર એસેસરીઝ, મોબાઈલ ચાર્જર, મોબાઈલ, રેડીમેઈડ કપડા, તેલ, સાયકલો, કિચનવેર આઈટમો, સોડા, ડીઝલ ભરેલ કેરબા સહિત રૂપિયા 18.95 લાખનો મુદ્દામાલ તેમજ ચોરીમાં વપરાયેલ બે કાર સહિત ફુલ રૂપિયા 27.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન
જ્યારે LCB પોલીસે હાઈવે ચોરીના બજાણા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલો ગુનાનો ભેદ પણ આ સાથે ઉકેલ્યો હતો. જ્યારે હાઇવે પર ચાલુ વાહનોમાં થતી ચોરીના મુદ્દામાલ રાખનાર શખ્સને LCB પોલીસે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.