સુરત : લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પુરી થઇ ગઇ હોય તેવા કેદીઓ વહેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત 17 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. કેદીઓ જેલ મુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઇજી ડો.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું. જેમાં 528 કેદીઓએ ભાગ લીધો હતો. કેદીઓને જેલ ડીઆઇજી કે.એલ. એન.રાવ તથા લાજપોર જેલ અધિક્ષક જે. દેસાઇ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી તેમજ મોઢુ મીઠુ કરાવવામાં આવ્યું હતું.
17 કેદીઓને કરાયા મુક્તઃ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં 17 કેદીઓની જેલ મુક્તિ તેમજ બંદીવાન મહોત્સવ આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં મહિલા તેમજ પુરૂષ કેદીઓ વચ્ચે અલગ- અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે, રસ્સા ખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ 528 કેદીઓએ ભાગ લીધો હતો. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ-બહેનોમાં સદભાવના કેળવાય, રમત-ગમતને પ્રોત્સાહન મળે, રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તેમજ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢબને અને તેમનામાં ખેલદિલીની ભાવના વિકસે તેમજ તેમનું માનસ પરીવર્તન થાય તેવા હેતુસર “હમભી ખેલેગે”ની થીમ હેઠળ “બંદીવાન ૨મતોત્સવ 2023-24"નું લાજપોર મધ્યસ્થ જેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પરિવારજનોમાં આનંદઃ લાજપોર જેલમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બંદીવાનોને રાજ્ય સરકાર દ્વારા વહેલી જેલમુક્તિ કરવા અંગેના હુકમો થતા એક સાથે એક મહિલા કેદી સહિત કુલ-17 જેટલા કેદીઓને જેલમુકત કરાતા કેદીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યારે જેલ પરિસર ખાતે કેદી અને પરિવારજનોમાં ખુબ જ લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યાં હતાં.
કેદીઓનો સમાજમાં પુન:સ્થાપનઃ લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદીઓ સહિત જે કેદી ભાઈ-બહેનોએ 14 વર્ષની સજા પુર્ણ કરેલ હોય તેવા કેદીઓને CRPC-433(એ) મુજબ વહેલા જેલમુક્તિ થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતીની બેઠકનુંઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2023માં કુલ 123 કેદીઓના કેસોની સમિક્ષા કરી કેદીઓની વહેલી જેલમુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સાથે સરકારમાં સાદર કરવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા માનવતા અભિગમ દાખવી તેમજ કેદીઓનો સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી વર્ષ: 2023-24 માં કુલ-26 કેદીઓને સરકાર દ્વારા આજીવન કેદની સજા પૈકીની બાકીની સજાનો ભાગ માફ કરી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા.
રોજગાર મેળવવા અંગેની લેખીત અરજીઃ ગુજરાત રાજ્યના જેલ વિભાગના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 140 થી વધુ આજીવન કેદની સજા હેઠળના કેદીઓને જેલમુકત કરવામાં આવ્યાં હતાં. જેલમુક્ત થઈને તેમને ભવિષ્યમાં રોજગાર ન મળે તેવા સંજોગોમાં તે કેદી રોજગાર માટે જે તે જેલ અધિક્ષકનો સંપર્ક કરી રોજગાર મેળવવા અંગેની લેખીત અરજી આપશે. તો જેલ પ્રશાસન દ્વારા રોજગારી આપવામાં મદદ કરવામાં આવશે તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી. અત્રેની જેલ ખાતે અલગ-અલગ વિભાગમાં પ્રશંસનિય કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.