સુરત: શહેરની લાજપોર જેલમાં કેદ એક આરોપી કે જેનું નામ ભરત ચૌધરી છે. ભરત ચૌધરી 14 વર્ષની ઉંમરમાં બનાસકાંઠાથી સુરત કામકાજ અર્થે આવ્યો હતો. આ દરમ્યાન સુરત પોલીસે એનડીપીએસના ગુના હેઠળ વર્ષ 2021માં ભરતની ધરપકડ કરી હતી અને તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ભરત જેલમાં અન્ય આરોપીઓ સાથે હીરા ઘસવાનું કામ કરી રહ્યો છે. પરંતુ ભરતને સપનામાં ખ્યાલ ન હતો કે તેની આ સજા તેના માટે સુખદાયી નીવડશે.
![ભરત ચૌધરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-12-2023/gj-sur-jail-kaidi-7200931_31122023114431_3112f_1704003271_1009.jpg)
પરિવારથી ક્યારે અલગ થયો આરોપી: ભરત 16 વર્ષથી પોતાના પરિવારથી અલગ રહ્યો હતો. પરિવારમાં પિતા સિવાય અન્ય કોઈ પણ સભ્યના ચહેરા તેને યાદ પણ ન હતા. સુરતની લાજપોર જેલમાં કેદ આ આરોપી 16 વર્ષમાં ક્યારેય પોતાના પરિવાર પાસે પરત ગયો ન હતો. પરંતુ તેના જેલવાસ દરમ્યાન તેના જીવનમાં નવો વળાંક આવ્યો. ભરતનો ભાઈ દશરથ અમદાવાદ જેલમાં જેલ સહાયક તરીકે કામ કરતો હતો. આ દરમ્યાન ભરતના નાના ભાઈ દશરથે એક મિત્ર સાથે તેના ભાઈ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રે તેને ગુજરાતની જેલમાં પણ તેના ભાઈને શોધવાની સલાહ આપી હતી.
![16 વર્ષ બાદ પરિવાર સાથે મિલન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-12-2023/gj-sur-jail-kaidi-7200931_31122023114431_3112f_1704003271_993.jpg)
ઈ-જેલ પોર્ટલ દ્વારા ભાઈઓનું મિલન: જિજ્ઞાસાને કારણે સહાયક તરીકે કામ કરતાં દશરથે ગુજરાત જેલના ઈ-જેલ પોર્ટલમાં તેના ભાઈનું નામ સર્ચ કર્યું. જેમાં તેને ખબર પડી કે આ નામનો એક વ્યક્તિ સુરત લાજપોર જેલમાં કેદ છે. અને તેની સામે NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેલ સહાયક બનેલા ભાઈએ ઈ-જેલ પોર્ટલ દ્વારા 17 વર્ષથી ગુમ થયેલા ભાઈને સુરત જેલમાંથી શોધી કાઢ્યો. ત્યારબાદ દશરથ તેના પરિવાર સાથે ભરતને મળવા સુરત પહોચ્યો અને વર્ષોથી વિખુટા પડેલા પરિવાર ફરી એક થતાં જેલ અધિકારીઓ પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા.
આ વાર્તા રસપ્રદ છે કારણ કે એક જ માતાથી જન્મેલા બે ભાઈઓમાંથી એક સુરત જેલમાં એનડીપીએસની સજા હેઠળ કેદી તરીકે જીવે છે જ્યારે બીજો ભાઈ અમદાવાદ જેલમાં જેલ સહાયક તરીકે કામ કરે છે. બંનેના જીવનના રસ્તા અલગ-અલગ હતા.
ગુજરાતની જેલોમાં ઇ-પ્રિઝમથી થતી કામગીરીને પગલે કેન્દ્ર સરકારે પણ ગુજરાત જેલ પોલીસને શ્રેષ્ઠ ઈ-જેલની કામગીરી બદલ નેશનલ એવોર્ડ આપ્યો હતો. બંને ભાઈઓના મિલન માટે ગુજરાત પોલીસની ઇ પ્રિઝમ એપે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે. જેમાં રાખવામાં આવતા કેદીઓની હિસ્ટ્રીથી આજે વર્ષોથી વિખુટા પડેલા બે ભાઈઓ ફરી મળી શક્યા છે. - જશુ દેસાઇ, લાજપોર જેલના સુપ્રિટેન્ડેન્ટ
તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં જેલમાં આવ્યા બાદ ભરતે જેલમાં ચાલતા હીરા ઉદ્યોગમાં હીરા ગ્રાઇન્ડીંગની તાલીમ લેવાનું શરૂ કર્યું અને તાલીમ લીધા બાદ તે હાલ એક કુશળ કારીગર પણ બની ગયો છે. અને હવે જેલમાં હીરા કારીગર તરીકે પણ કામ કરે છે જેનાથી તેને થોડા પૈસા મળે છે. પરંતુ જેલની સજા દરમિયાન પરિવારનો મેળાપ થયા બાદ હવે ભરત જેલમાંથી નીકળી તે પોતાના પરિવાર પાસે પરત જવા ઈચ્છે છે.