- બનેવીનું કોરોનાથી મોત થતા તણાવમાં પગલું ભર્યું
- ધામદોડ ફાટક નજીક ટ્રેન સામે પડતું મૂક્યું
- યુવક બારડોલી તાલુકાના ખોજ ગામનો વતની
સુરતઃ જિલ્લાના બારડોલી તાલુકાના ધામદોડ લુંભા ગામની સીમમાં આવેલા રેલવે ફાટક નજીક એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. સોમવારના રોજ બનેવીનું કોરોનાના કારણે મોત થતા આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતમાં વિદ્યાર્થીએ છાત્રાલયમાં આત્મહત્યા કરતા ચકચાર મચી
યુવક ખાનગી કંપનીમાં કરતો હતો નોકરી
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં ખોજ ગામે રહેતા ડેનિશ મનહરભાઈ માહ્યાવંશી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને તેની માતા સાથે રહેતો હતો. ત્યારે સોમવારના સુરતના પાલનપુર ખાતે રહેતા તેના બનેવી કમલેશ અંબુભાઈ સુરતીનું કોરોનાથી મુત્યુ થયું હતું. જેથી ડેનિશ સુરત ગયો હતો. જ્યાથી મંગળવારના રોજ પોતાના ઘરે આવ્યા બાદ તે ઘરેથી બાઇક લઈને બારડોલી તરફ ગયો હતો. ત્યા ધામદોડ રેલવે ફાટક નજીક બાઇક મૂકી ટ્રેનની સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચોઃ બારડોલીમાં પરણિતાએ પુત્રી સાથે આત્મહત્યા કરતાં ચકચાર
બહેને પતિ બાદ ભાઈ પણ ગુમાવ્યો
ટ્રેનની નીચે કપાય જતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. પુત્રના મોતથી માતા એકલી પડી છે. તો બીજી તરફ પતિના મોત બાદ બહેને પોતાનો ભાઈ પણ ગુમાવતાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.