સુરત: શહેરના પાલનપુર વિસ્તાર ખાતે રહેતા મોદી પરિવારના એક જ પુત્ર રાજ નવરાત્રી બાદ લંડન ભણવા માટે જવાનો હતો. 28 વર્ષીય રાજ ધર્મેશ મોદી સુરત શહેરના પાલનપુર વિસ્તાર ખાતે રહેતા હતા. નવરાત્રી બાદ માસ્ટર ડિગ્રી મેળવવા માટે તે લંડન જવાનો હતો. જેથી પરિવાર તરફથી પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પોતાની માસ્ટર ડિગ્રીને લઇ રાજ પંન ખૂબ જ ઉત્સાહિત હતો. તારીખ 4 ઓક્ટોબરના રોજ જ્યારે તે એલ પી સવાણી રોડ ખાતે આવેલા કમ્યુનિટી હોલમાં ગરબા રમવા માટે ગયો હતો. ત્યારે રાજ અચાનક જ ઢળી પડ્યો હતો.
મોતનું કારણ: યુવક કયા કારણસર મૃત્યુ પામ્યો છે તે અંગે હાલ તેનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ડોક્ટરોને આશંકા છે કે કદાચ હાર્ટ એટેકના કારણે તેનું મોત નીપજ્યું હશે. અન્ય કારણ પણ હોઈ શકે છે. જે અંગેની તમામ વિગતો પોસ્ટમોર્ટમ થયા બાદ તેના રિપોર્ટમાં આવશે. રાજને ગરબા રમવાનો ખુબ જ શોખ હતો. તેના મિત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી માટે પાસ પણ લઈ લીધા હતા.
લન્ડન રૂમ પણ ભાડે: રાજના પિતા ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ હતા કે અમારો દીકરો નવરાત્રી પછી ભણવા માટે લંડન જશે. અમારો એક જ પુત્ર રાજ હતો. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમે દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતો. લન્ડન જવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી ત્યાં તેના રહેવા માટે એક રૂમ પણ ભાડેથી ફિક્સ કરી દેવામાં આવ્યું હતું. તેની ટિકિટ જ લેવાની બાકી હતી.
પલસાણામાં પણ ગરબા રમતા યુવકનું મોત: અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડાક દિવસ પહેલા પણ ગરબા રમતા પલસાણા વિસ્તારમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. નવરાત્રી આયોજનમાં પણ હવે તકેદારીના ભાગરૂપે આયોજન સ્થળ પર મીની હોસ્પિટલ ઉભી કરવાના છે. જેથી કોઈપણ પ્રકારની મેડિકલ કન્ડિશનમાં ખેલૈયાઓને સારવાર મળી રહે.