મળતી માહિતી મુજબ સુરતમાં લુમ્સ કારખાનામાં કામ કરતા એક કારીગરનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. જે બાદ અન્ય કર્મચારીઓએ રોષમાં આવીને પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ સાથે ટીયર ગેસ પર છોડવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન એક શબવાહિનીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન કારીગરો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં પોલીસે ચાર ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરાયેલા કારીગરોને રાઉન્ડ અપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવક ઓરિસ્સાવાસી હતો. 40 વર્ષીય દયા ગૌડના મૃત્યુંને લઈ યોગ્ય ન્યાયની માંગ સાથે મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે કર્મચારીઓએ કારખાના માલિક દ્વારા કારીગરોને સેફટી મુદ્દે બેદરકારી દાખવાનો આરોપ લગાવ્યો હતો.
આ અંગે સાથી કારીગરો અને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કરંટ લગાવાથી દયાનું મોત નીપજ્યું હતું. જેને લઈને કારખાનેદાર 10 લાખનું વળતર આપે અને મૃતદેહને વતન લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપે,ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. જોકે, આની વચ્ચે મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને જોઈ ટોળું ભડકી ઉઠ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ શબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અને પોલીસે ચાર જેટલા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
જે બાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરાયેલા કારીગરોને રાઉન્ડ અપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી.હાલ સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસ જણાવ્યું હતું. જોકે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.