- સાત વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા
- કામરેજના આસ્તા ગામના ફાર્મ હાઉસમાં પોલીસની રેડ
- કામરેજ પોલીસની જુગારીઓ વિરુદ્ધ લાલ આંખ
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસ્તા ગામની સીમમાં આવેલા ફાઇવસ્ટાર ફાર્મ હાઉસના રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલા 4 મહિલા સહિત સાત વ્યક્તિને કામરેજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ 69,880 રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાની કામરેજ પોલીસની ટીમે બાતમીના આધારે ગતરોજ આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ કરી હતી. તે દરમ્યાન ફાર્મહાઉસના મકાનમાં બેસી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત વ્યક્તિને તીનપત્તી રમતા ઝડપી પાડ્યા હતા.
જુગાર રમી રહેલા લોકો
પોલીસે જુગાર રમી રહેલ ઘનશ્યામભાઇ જીવાભાઇ કોડીયા (રહે, ઓપેરાપામ ખોલવગામ તા. કામરેજ જી. સુરત, મુળ રહે, સેડુભા તા. જી. અમરેલી), શૈલેશભાઇ ધનજીભાઇ માયાણી (રહે, રાજસેલી સોસાયટી ઘર નં. ૧૦૩, મોટા વરાછા, સુરત, મુળ રહે, વડાલગામ તા. ભેંસાણ જી. જૂનાગઢ), રમેશભાઇ ધીરૂભાઇ ખુંટ (હાલ રહે, સૌરાષ્ટ્ર દર્શન સોસાયટી, ઘર નં.૨૩, તા. કામરેજ જી. સુરત મુળ રહે, માનવીલાસ તા. ગારીયાધાર જી. ભાવનગર), ગીતાબેન ભાવેશભાઇ જીવાભાઇ ભીલ (રહે,અયોધ્યા સોસાયટી ઘર નં. બી-૩૧ પુણા સુરત, મુળ રહે, વેળાકોટ તા. ગીરગઢડા જી. સોમનાથ), જશુબેન રણજીતસિંહ નાથુસિંહ દેવડા (રહે, ઇશ્વરકૃપા સોસાયટી ઘર નં. ૫૭, કુબેર નગર રોડ વરાછા સુરત મુળ રહે. સ્વરૂપગંજ તા. પીડવાળા જી. સિરોઇ(રાજસ્થાન), નીતાબેન વજુભાઇ કેશુભાઇ ઢઢાણીયા (રહે, ઓમટાઉનશીપ ઘર નં. ૨૦૪ વિભાગ ૧, પાસોદરા તા. કામરેજ જી. સુરત મુળ રહે, કેશોદ તા. કેશોદ જી. જુનાગઢ), આરતીબેન ભુપતભાઇ લાભશંકરભાઇ ઠાકોર (રહે, એચ.આર.પી. સોસાયટી ઘર નં.૨૭, કઠોદરાગામ તા. કામરેજ જી. સુરત મુળ રહે, મોટામુજીયાસરગામ તા. જી. અમરેલી) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે 69,880નો મુદ્દામાલ પક્ડયો
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 69,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.