બારડોલી : બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ પર પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ત્યારે ડૉ. કૌશલ પટેલ પર ઘણા સમયથી બારડોલી સુરત રોડ પર તેન ગ્રામ પંચાયતની હદમાં પાણીપુરી વેચતી એક મહિલાને હેરાન કરવાનો પણ આરોપ લાગ્યો હતો. સોમવારે સાંજે પણ આ મહિલા સાથે બબાલ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને પોલીસે કૌશલ પટેલ વિરુદ્ધ પીધેલી હાલતમાં ઝડપાયા હોવાનો કેસ કરીને તેમની ધરપકડ કરી હતી.
મહિલાને હેરાન કરવાનો આરોપ: તેન ગામની સીમમાં બારડોલી સુરત રોડ પર એક મહિલા પાણીપુરીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાને છેલ્લાં ઘણા સમયથી બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ. કૌશલ વિનોદચંદ્ર પટેલ તમે કોને પૂછીને લારી મૂકી છે, એમ કહી ધાકધમકી આપી, ગાડી આડી મૂકી ટ્રાફિકમાં અડચણરૂપ થતો આવ્યો છે એવો પણ તેમના પર આરોપ લાગ્યો છે.
મહિલાની લેખિત ફરિયાદ: આ દરમિયાન સોમવારે સાંજે 5. 40 કલાકે પણ કૌશલ પટેલ ગાડી લઈને આવ્યો હતો અને નશાની હાલતમાં મહિલા સાથે બબાલ કરી હતી. કૌશલે મહિલાને કહ્યું હતું કે, “અહીં લારી કેમ મૂકી છે? બીજી જગ્યાએ મૂકો અહીથી ઊંચકી લો, નહીં તો હું તમને અને તમારી લારીને ઊંચકાવી લઇશ” એમ કહી જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ડૉ. કૌશલ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી હતી.
પોલીસ જાતે બની ફરિયાદી: જો કે પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાના બદલે ડૉ. કૌશલ વિરુદ્ધ પોલીસે પોતે જ ફરિયાદી બની માત્ર પીધેલાનો કેસ કરી સંતોષ માન્યો હતો. પોલીસે કૌશલની ધરપકડ કર્યા બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. આ અંગે તપાસકર્તા અધિકારી પાંડુરંગ સોનવણેએ જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના અનુસંધાને જ પોલીસે ડૉ. કૌશલની અટક કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. હાલ તેનો જામીન પર છુટકારો થયો છે.