સુરત: 24મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાને મળશે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ જોરમાં ચાલી રહી છે ત્યારે સુરતના સંગીતકાર ચિરાગ ઠક્કરે 'મોદી કા દમ,નમસ્તે ટ્રમ્પ'નું ગીત તૈયાર કર્યું છે.
સુરતના અડાજણ વિસ્તારના સંગીત કલાકારોના એક ગૃપ દ્વારા આ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વની બે મહાસત્તાઓ જ્યારે એક મંચ પર ઉપસ્થિત રહેવાની છે ત્યારે બંને દેશના બે મહાનેતાઓને લઈ આ ખૂબ જ સુંદર ગીત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા, અતિથિ દેવો ભવ, મોટેરા સ્ટેડિયમની વાતોને આવરી લેવામાં આવી છે. ગીતનો વિચાર ગ્રુપના જ સભ્ય ચિરાગ ઠક્કરને આવ્યો હતો. જ્યાં તેમના વિચારોને વિહુલ જાગીરદારે ઓપ આપ્યો છે. દર્શન ઝવેરીએ સંગીત આપ્યું છે જ્યારે પૂજા કલ્યાણીએ "રઘુપતિ રાઘવ રાજા રામ "નામની શબ્દ લાઈનને પોતાના સ્વરથી કંડાર્યું છે.
આ સુરતી કલાકારો અમદાવાદ ખાતેના કાર્યક્રમ સંજોગાવસાત હાજર નહીં રહી શકે, પરંતુ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગીત કાર્યક્રમની ઘડીઓ અગાઉ જ લોન્ચ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીને વેલકમ કરવા સુરતી કલાકારોએ એકાએક આ ગીત તૈયાર કરી એક સંદેશો પોહચાડવાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે, આ ગીત માત્ર 15 કલાકમાં ચિરાગ ઠકકર સિવાય 4 વ્યક્તિઓની મહેનતથી તૈયાર થયું છે અને 15 જ કલાકમાં આ ગીત તૈયાર કરાયું છે.