- નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું
- બજેટમાં અનેક જોગવાઇ સામે આવી
- સુરત ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી આશાની કિરણ જોવા મળ્યું
સુરતઃ કેન્દ્ર સરકારના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે બજેટમાં અનેક જોગવાઇ સામે આવી જેના કારણે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી આશાનું કિરણ જોવા મળ્યું છે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આ બજેટને આવકાર્યા છે અને 10માંથી સાત માર્ક્સ આપ્યા છે.
માંગણીને નાણાપ્રધાને સ્વીકાર્યા
દેશભરમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્કની જોગવાઈ અંગે બજેટમાં જાહેરાત કરાઇ છે. નાણાપ્રધાનની આ જાહેરાત બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે, સુરતને મેગા ટેક્સટાઇલ પાર્ક મળશે. આ અંગે વીવર્સ એસોસિયએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે, સુરત ટેક્સટાઇલ હબ છે તેને એક ટેક્સટાઇલ પાર્ક આપવામાં આવે આ માંગણીને નાણાપ્રધાને સ્વીકાર્યા છે ટેક્સટાઇલ પાર્ક બનવાથી આવનારા દિવસોમાં સુરતમાં જીડીપીમાં મહત્વનું યોગદાન આપી શકશે. આ બજેટને અમે 10માંથી 7 માર્ક આપીએ છીએ ખુબ જ સરસ બજેટ છે.
ઉદ્યોગને થશે લાભ
જ્યારે અન્ય કાપડના વેપારી હિમાંશુ ઘોડાવાળાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલના દ્રષ્ટિથી જોવા જઈએ તો આ બજેટ ખુબ જ સરસ છે. હું આ બજેટને 10માંથી 8 માર્ક્સ આપીશ. ઘણા સમયથી માગ હતી કે, યાર્ન પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરવામાં આવે અને સૌથી સારી વાત છે કે, સરકારે આના ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 7 ટકા કરી છે અને બહારથી આવતા કાપડ પર ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ઉદ્યોગને લાભ થશે.