સુરત : માત્ર છ મહિના પહેલાજ PSI પરાગ દવેની પોસ્ટિંગ એરપોર્ટ પર થઈ હતી. PSIના પદ પર રહીને માત્ર છ મહિનામા આખું નેટવર્ક ઊભું કરી શકે એ શક્ય નથી. ડીઆરઆઇ ને પણ લાગે છે કે, આ રેકેટની પાછળ કોઈ મોટો માસ્ટર માઈન્ડ જરૂર હશે. ડીઆરઆઇ પણ આ આખા રેકેટની પાછળ કોનો હાથ છે કોણ માસ્ટર માઈન્ડ છે તેની તપાસ શરૂ કરી દીધી છે.
હંમેશા વિવાદમાં રહેનાર પોલીસ કર્મચારી : સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન PSI તરીકે ફરજ બજાવનાર પરાગ દવેની ધરપકડ કરી દીધી છે. તે હાલ બે દિવસના રિમાન્ડ પર છે અને તેની પૂછપરછ થઈ રહી છે. પરાગ દવે હંમેશાથી વિવાદમાં રહેનાર પોલીસ કર્મચારી છે. અગાઉ પણ એક દારૂના કેસમાં તેની ઉપર ઇન્કવાયરી થઈ હતી અને તે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે. હાલ તેની પૂછપરછ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ દેશમાં ગોલ્ડ સ્મગલિંગના હેન્ડલર આરોપી ઉવેશ ઈમ્તિયાઝ શેખ, આતશબાજીવાલા મોહમ્મદ સાકિબ મુસ્તાક અહમદ અને યાસિર શેખ નામના અન્ય 3 આરોપીઓને કોણે દુબઈ ફરવાની લાલચ આપી તેમને કેરિયર બનાવ્યા? 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ સારજહામાં કોણે મોકલી? હવાલાથી પૈસા મોકલનાર માસ્ટર માઇન્ડ કોણ છે? તેની તપાસ DRI કરી રહી છે.
PSIએ સિમકાર્ડ ફેંકી દિધું : ડીઆરઆઈને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, PSIએ સીમકર્ડ રસ્તામાં ફેંકી દીધું છે તેની તપાસ પણ શરૂ કરી છે. અધિકારીઓને આશંકા છે કે પોતાના આકાને બચાવવા માટે અને તે દુબઈમાં કોના સંપર્કમાં હતો અને સુરતમાં કોણ તેની મદદ કરી રહ્યા હતા તે અંગેની જાણ અધિકારીઓને ન થાય આ માટે તેણે પોતાનું સીમ ધરપકડ પહેલા રસ્તામાં ફેંકી દીધું હતું. તેના મોબાઇલમાંથી, આ ગુનો કરવા માટેની કેટલીક ગુનાહિત સામગ્રી મળી શકે છે, તેથી તે કારણોસર અન્ય આરોપીઓ સાથે આમને સામને રાખી DRI પૂછપરછ કરશે.
આ પ્રમાણે હતો ડ્યુટીનો સમય : પરાગ દવે આરોપી પોલીસ અધિકારી છે, જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેમની ફરજ સામાન્ય રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટના દિવસે સાંજે 7.30 થી સવારે 6.00 વાગ્યા સુધીની હોય છે. પરંતુ તરત જ ડીઆરઆઈ અધિકારીઓએ ઉવેશ ઈમ્તિયાઝ શેખ, આતશબાજીવાલા મોહમ્મદ સાકિબ મુસ્તાક અહમદ અને યાસિર શેખ નામના અન્ય ત્રણ આરોપીઓને અટકાવ્યા ત્યારે પરાગ દવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાંથી પેટનો દુખાવો કહી નીકળી ગયા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ ક્યારેય ડૉક્ટર પાસે ગયા નથી. તેથી એરપોર્ટ છોડવા પાછળનું ચોક્કસ કારણ તપાસ અધિકારી કરી રહ્યા છે.
CCTV ફૂટેજના આધારે કરાશે તપાસ : પરાગ દવે છેલ્લા છ મહિનાથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર તરીકે પોસ્ટેડ છે, તેથી અગાઉના પ્રસંગોના CCTV ફૂટેજ અને તેની હિલચાલની તપાસ કરવામાં આવે અને આરોપી સાથે મુકાબલો થાય તે પણ જરૂરી છે. સોનાની દાણચોરીમાં હવાલા એંગલની શક્યતા હોવાથી પરાગકુમાર ધીરજલાલ દવેને કોઈ ફાયદો થયો હતો કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. વધુમાં, તેના ઘરે સર્ચની કાર્યવાહી દરમિયાન, બ્લેન્ક ચેક મળી આવ્યા હતા, તેથી તેમના બેંક સ્ટેટમેન્ટની તપાસ પણ કરવામા આવશે.