દીપિકા અને રણવીર સિંહના લગ્નને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે. બંનેના ચાહકો આજે ખૂબ જ ખુશ છે. સુરત ખાતે રહેતા દીપિકા પાદુકોણના ચાહક કરણ જરીવાલાએ તેમની વેડિંગ એનિવર્સરીને ધ્યાનમાં રાખી ખાસ રંગોળી બનાવી છે. 3 x 4 ફિટની આ રંગોળી 24 કલાકની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે. જેમાં દીપિકા અને રણવીર બંનેની તસવીર જોવા મળે છે.
આ રંગોળીમાં દેખાતી તસવીર દીપિકા અને રણવીરના રિસેપ્શનની છે. તસ્વીરની હુંબહુ નકલ આ રંગોલીમાં જોઈ કોઈ પણ કહી ન શકે કે આ રંગોળી છે. કરણ દીપિકાનો મોટો ચાહક છે. કારણ કે, જ્યારે પદ્માવતી ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે, હિન્દુ સંગઠન દ્વારા તેની રંગોળી ખરાબ કરી દેવામાં આવી હતી. આ ચર્ચા દેશભરમાં ચાલી હતી. દીપિકાએ પોતે આ મુદ્દો પોતાના ટ્વિટર હેન્ડલ પર ઉઠાવ્યો હતો. અત્યાર સુધી આ કલાકાર દીપિકાની 15થી વધુ રંગોળી બનાવી ચુક્યો છે.
કરણે જણાવ્યુ હતુ કે, તે દીપિકાનો હમેંશા થી ચાહક રહ્યો છે. આજે તેમની વેડિંગ એનિવર્સરીને ધ્યાનમાં રાખી શુભેચ્છા હેતુથી રંગોળી બનાવી છે. તેને ટ્વિટર પર પણ મૂકી મોકલી છે. કરણને અપેક્ષા છે કે, દીપિકા તેની આ રંગોળી જોશે અને તેને ખૂબ જ પસંદ આવશે.