- બારડોલીના હરીપુરા ખાતે તાપી નદી કિનારે અંતિમવિધિ યોજાઇ
- અંતિમ વિધિ સમયે સેંકડો ભક્તો ઉપસ્થિત રહ્યા
- સુરતના સંત આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે આપ્યો અગ્નિદાહ
સુરત : ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરિપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમ વિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ દ્વારા તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ વિધિ સમયે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
95 વર્ષની વયે અવધૂત આશ્રમમાં અંતિમ શ્વાસ લીધો
ગત મંગળવારના રોજ વિશ્વનાથ અવધૂતજી મહારાજે 95 વર્ષની વયે અવધૂત આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. દત્ત ભક્તિ પરંપરામાં તેઓ રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરુશિષ્ય હતા. સુરતમાં આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા બાદ બુધવારના રોજ તેમનો પાર્થિવ દેહ બારડોલીના ધામદોડ ખાતે આવેલા રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. મોડી સાંજે પાર્થિવ દેહ બારડોલી તાલુકાનાં કડોદ પાસે આવેલા નાનકડા હરિપૂરા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
હરિપુરામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો પાર્થિવ દેહ
તાપી નદીના કિનારે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. મોડી રાત સુધી ભાવિક ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે પણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો તેમની અંતિમ ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.
હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા
બપોર બાદ તેમની અંતિમ વિધિ યોજાઇ હતી. સુરતના રાંદેર ખાતે આવેલા આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજે અગ્નિદાહ આપ્યો હતો. અગ્નિદાહ પૂર્વે પાર્થિવ શરીર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મનીષાનંદજી મહારાજ અને નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ સહિતના સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા.