- બર્થ ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ
- શહેરનો માથાભારે શખ્સ છે સૂર્યા બંગાળી
- સૂર્યા બંગાળીએ જન્મદિવસ ફાર્મ હાઉસમાં ઉજવ્યો
બારડોલી : સુરત જિલ્લામાં જન્મ દિવસની પાર્ટીનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. ગત 25મીના રોજ કામરેજના કોસમાડા ગામના ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની જન્મદિવસની પાર્ટીના વીડિયો વાઈરલ થયા બાદ વધુ એક વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. રવિવારના રોજ સુરત શહેરના માથાભારે શખ્સ સૂર્યા બંગાળીએ શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સૂર્યા બંગાળીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ ક્રિસમસના દિવસે પોતાનો જન્મદિવસ શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં ઉજવ્યો હતો.
ડીજેની સાથે સાથે આતશબાજી પણ કરવામાં આવી
આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી અને ભારે ભીડ વચ્ચે સૂર્યા બંગાળીના સાગરીતોએ ડીજેના તાલે ઝૂમવા સાથે ફટાકડા પણ ફોડ્યા હતા. મોડી રાત્રે થયેલી આ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો ઓલપાડના ફાર્મ હાઉસનો હોવાની ચર્ચા છે. આ મામલે પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે.
2018માં પણ જાહેરમાં બર્થ ડે ઉજવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, 2018માં પણ સૂર્યા બંગાળીએ જાહેરમાં જ જન્મદિવસ ઉજવ્યો હતો. તે સમયે પણ શહેર પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.