સુરત: તમે ફેશન શોના મોડલને રેમ્પ વોક કરતા તમે જોયા હશે પરંતુ સુરત શહેરમાં એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો અનોખો એટલા માટે હતો કારણ કે તેમાં મોડલ કે કોઈ જાણીતી હસ્તી નહિ પરંતુ LGBTQ કોમ્યુનિટીના લોકોએ રેમ્પ વોક કર્યું હતું. સુરતના અવધ ઉટોપીયા ખાતે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
LGBTQ કોમ્યુનિટીના લોકોએ રેમ્પ વોક કર્યું: 16 થી વધુ LGBTQ કોમ્યુનિટીના લોકો આ ફેશન શોમાં ભાગ લીધો હતો. તેઓ પણ સમજનો એક હિસ્સો છે અને સમાજ તેઓને સ્વીકારે તેવા સંદેશા સાથે આ ફેશન શો યોજાયો હતો. ફેશન શો પહેલા કેવી રીતે રેમ્પ વોક કરવું તે અંગે અગાઉ તેઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. મહત્વનું છે કે રેમ્પવોક કરનારા તમામ લોકોના આઉટફિટ આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
'આ કોમ્યુનિટીમાં સપોર્ટર છું. આજે આ ફેશન શોનું આયોજન કરાયું હતું. ફેશન ફોર ઓલનો સંદેશો આ ફેશન શો હસ્તક આપવામાં આવ્યો છે. કપડાં માટે કોઈ જેન્ડર હોતું નથી, દરેકને સમાનતા મળે.' -પ્રિયા બેન પાનસુરીયા, સપોર્ટર
અમારી કોમ્યુનિટીને એક મોકો મળ્યો: ક્રિષ્ના પારેખે જણાવ્યું હતું કે અમારા માટે આ ખુબ જ ગૌરવની વાત છે. આ ફેશન શો થકી અમારી કોમ્યુનિટીને એક મોકો મળ્યો છે કે અમે પણ કંઈક કરી શકીએ છીએ.
'બહાર અમને લોકો આ રીતના સ્પોર્ટ કરતા નથી પરંતુ અમને અહીંયા ખૂબ જ સ્પોર્ટ મળ્યો છે. અમારા માટે અહીં ફેશન શોનું આયોજન કરાયું છે. મેં અહીં ખૂબ જ કોમ્ફીડન્સ સાથે રેમ્પ વોક કર્યું છે. ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે, હું કહેવા માગું છું કે શણગારનો હક અમને પણ છે.' -કપિલ, LGBTQ કોમ્યુનિટી