- માંડવી ઝંખવાવ રોડ પર સર્જાયો અકસ્માત
- રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાય મોટર સાયકલ
- અકસ્માતમાં બે યુવકોના મોત
સુરતઃ માંડવી ઝંખવાવ રોડ પર રેફરલ હોસ્પિટલ નજીક રોડ પર ઊભેલી ટ્રકની પાછળ મોટર સાયકલ અથડાતાં કન્સ્ટ્રક્શન કંપનીના બે સુપરવાઇઝરના મોત નિપજ્યાં હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકો રોડ કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં હતા
માંડવી તાલુકાના તરસાડા બાર ખાતે આવેલા મહાકાલપૂરી આશ્રમમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશના જોનપૂર જિલ્લાનો રહેવાસી હરીશ રામફકીર યાદવ તરસાડા ખાતે ઓવરબ્રિજ બનાવતી યુનિક કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. જ્યારે તેનો મિત્ર વિનય બદ્રિપ્રસાદ મિશ્રા એ જ કંપનીની પેટા કંપની રમેરા બિલ કોન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો.
કામ પૂર્ણ કરી મુકામ પર જવા નીકળ્યા હતા
બુધવારે સાંજે બંને સાઇટ પર કામ પૂર્ણ કરી મોટર સાયકલ લઈને તરસાડા બાર ખાતે આવેલા તેમના મુકામ મહાકાલપૂરી આશ્રમ ખાતે જવા નીકળ્યા હતા. તેઓ માંડવી ઝંખવાવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રેફરલ હોસ્પિટલ નજીક મોટર સાયકલ ચાલક વિનય બદ્રિપ્રસાદ મિશ્રાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં તેમની મોટર સાયકલ રોડના કિનારે ઊભેલી ટ્રકની પાછળ જઈને અથડાય ગઈ હતી.
એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું હોસ્પિટલમાં નીપજયું મોત
આ અકસ્માતમાં પાછળ બેસેલા હરીશ રામફકીર યાદવનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજા પામેલા વિનય મિશ્રાને પ્રાથમિક સારવાર માંડવીમાં આપ્યા બાદ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજયું હતું. પોલીસે મોટર સાયકલ ચાલક વિનય મિશ્રા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.