સુરત : ખાણી-પીણી અને હીરા ઉદ્યોગ માટે સુરત શહેર પ્રખ્યાત છે. ઉપરાંત જીવતા હીરા સમાન સુરતના રમતવીરો પણ રાજ્યભરમાં પોતાની છાપ છોડતા હોય છેે. ત્યારે સુરતની શાનમાં વધુ એક વધારો થયો છે. આણંદ ખાતે રમાયેલી ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનમાં સુરતના બે યુવાનો ઝળક્યા હતા. આ ટુર્નામેન્ટમાં જે યુવાનો મેડલ મેળવે તેને આગામી ગોવામાં રમાનારી આગામી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સ્થાન મળવાનું હતું. જેમાં સુરતના બંને યુવકોએ એક સિલ્વર અને એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બંને સુરતના યુવાનો આગામી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
1800 થી વધુ સ્પર્ધક : આ બાબતે કરાટે ખેલાડી કાર્તિક કેતન વાણિયાએ જણાવ્યું હતું કે, હું આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. હાલ આણંદ ખાતે 7 થી 9 જુલાઈ દરમિયાન ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જે ખિલાડીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત થાય તેઓને ગોવામાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવાની હતી. ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનમાં 1800 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
મારે સવારથી બપોર સુધીની સાત-આઠ કલાકની સ્કૂલ હોય છે. ત્યારબાદ ચારથી પાંચ કલાક કરાટેની પ્રેક્ટિસ કરતો હતો. મારે જીમ પણ કરવું પડતું અને અભ્યાસમાં પણ ધ્યાન આપવું જરુરી હતું. જેમાં મારો આખો પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે. મારું સપનું છે કે, હું ઇન્ડિયન નેવીમાં મેજર તરીકે જોડાઉં.-- કાર્તિક વાણિયા (ખેલાડી)
કરાટે ચેલેન્જિંગ રમત : મારા કોચ સંજય મોરેએ મને આ ટુર્નામેન્ટ માટે તૈયાર કર્યો હતો. હું છેલ્લા પાંચ વર્ષથી કરાટે શીખી રહ્યો છું. આ સ્પર્ધામાં મારો સામનો કચ્છના અતુલ કશ્યપ સાથે હતો. તે છેલ્લા 6 વર્ષથી નેશનલ રમવા જઈ રહ્યો છે. તેને હરાવી હું નેશનલમાં સિલેક્ટ થયો છું. કરાટેમાં ઘણું બધું ચેલેન્જિંગ હોય છે. બધું મેનેજ કરવું પડે છે.
પિતાનું ગૌરવ : આ બાબતે કાર્તિકના પિતા કેતન વાણિયાએ જણાવ્યું કે, આજે મને ગર્વ છે કે આહીર સમાજમાં બે યુવાનો ગુજરાતમાં યોજાયેલ રાજ્યકક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં મહેનતથી આગવું સ્થાન પ્રાપ્ત કરી નેશનલ સુધી પહોંચ્યા છે. તેઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું. હું મારા છોકરામાં રમતગમતના ટેલેન્ટને ઓળખી ગયો છું. આ બંને છોકરાઓએ અભ્યાસની સાથે કરાટેમાં પણ ધ્યાન આપ્યું છે. તેઓ સવારે 7:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી મહેનત કરે છે. મને વિશ્વાસ છે કે, આવનારી 26 અને 27 ઓગસ્ટના રોજ ગોવા ખાતે યોજાનાર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરશે. તેઓ ફરી ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને સુરતનું નામ રોશન કરશે.
હું આશા રાખું છું કે નેશનલ ચેમ્પિયનશિપમાં પણ સારું પ્રદર્શન કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કરીશ. હાલમાં મેં કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. કરાટે માટે મારા પરિવારનો પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. મારું સપનું છે કે, હું ઓલમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવું.-- તુષાર મોરે (ખેલાડી)
ચાર વર્ષે સફળતા : આ બાબતે તુષાર મોરે જણાવ્યું કે, હું છેલ્લા આઠ વર્ષથી સંજય મોરે પાસે કરાટેની તાલીમ લઇ રહ્યો છું. તે સાથે જ છેલ્લા ચાર વર્ષથી ઓલ ગુજરાત કરાટે કો ફાઉન્ડેશનની તૈયારી કરી રહ્યો છું. છેલ્લા ચાર વર્ષથી આ ટુર્નામેન્ટમાં હાર્યો હતો. પરંતુ આ વખતે આ ટુર્નામેન્ટમાં મહેનત કરીને મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે યોજાનાર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં મારી પણ પસંદગી કરવામાં આવી છે.