સુરત: સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુનંદન ડાયિંગ મિલમાં ગઈકાલે સાંજે ત્રણ કામદારો માલસામાનને લિફ્ટ મારફતે ઉપર લઇ જતા હતા. તે દરમિયાન એકાએક બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા ત્રણે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ પૈકી બે કામદારોના સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે અન્ય એક કામદાર હજી પણ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હાલ આ મામલે સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી છે.
"જે મામલે નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. આ બનાવ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુનંદન ડાયિંગ મિલની છે. જ્યાં ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ મિલમાં કામ કરતા 19 વર્ષીય સંદીપ, 48 વર્ષીય ધરમેશ્વર અને 23 વર્ષીય મોહન જેઓ માલસામાનની લિફ્ટ મારફતે ઉપર નીચે કરતા હતા. તે દરમિયાન એકાએક બીજા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે તૂટી પડતા લિફ્ટમાં સવારે ત્રણે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.."-- દિગ્વિજયસિંહ (સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી)
રોજગારી અર્થે આવ્યો: આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે. તેમાં 19 વર્ષીય સંદીપકુમાર શ્યામકિશોર ચૌહાણ જેઓ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બરફની ફેક્ટરી પાસે રહેતા હતા. તેઓ એક મહિના પહેલા જ પોતાના મૂળ વતન બિહારના છપરાથી સુરત રોજગારી માટે આવ્યા હતા. આ ઘટનામાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે બીજો મૃતક ધર્મેશ્વર હલખોરી જે 48 વર્ષના હતા. તેઓ સચિન વિસ્તારમાં આવેલ વિષ્ણુનગર પલી ગામ ખાતે રહેતા હતા. તેઓ પણ મૂળ બિહારના છપરા જિલ્લાના છે. પરિવારમાં 1 દીકરી અને 3 દીકરા છે.તેઓ બે મહિના પેહલા જ મધુનંદન મિલમાં કામે લાગ્યા હતા. પિતા અને એક દીકરો સુરતમાં રહેતા હતા.અને બાકીનું આખું પરિવાર ગામ રહે છે. પિતા પુત્ર બંને સુરતમાં રોજગારી કરી પરિવારને આર્થિક મદદ રૂપ થતા હતા.