સુરત : માંગરોળ તાલુકાના પીપોદરા ગામે 20 દિવસ અગાઉ રાહદારીને આંતરી ચપ્પુની અણીએ મોબાઈલ ફોન તથા રોકડની લૂંટનો બનાવ બન્યો હતો. ત્યારે આ લૂંટ કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. તેઓ પાસેથી બાઈક અને મોબાઈલ જપ્ત કર્યા હતા. ઝડપાયેલ આરોપીના નામ શાહરૂખ શેખ અને અસ્લમ છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લૂંટના આરોપી ઝડપાયા : બનાવની મળતી વિગત અનુસાર 20 દિવસ અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં ગણેશ પેટ્રોલિંગની ગલીમાં એક રાહદારીને આંતરી લૂંટારૂઓએ ચપ્પુની અણીએ 5000 રોકડા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયા હતા. સુરત ગ્રામ્ય LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલ અસ્લમ સલીમભાઈ નઇનામોરી તેમજ શાહરૂખ શૌરાબ શેખ દાલમિલ પાસે ઊભા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ બંને આરોપીઓને દબોચી લીધા હતા. તેઓની પાસેથી એક બાઈક અને મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પીપોદરા ગામની સીમમા બનેલ લૂંટની ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓનો કબજો કોસંબા પોલીસને આપવામાં આવ્યો છે. -- આર.બી. ભટોળ (PI, સુરત LCB)
હીરા લૂંટ કેસ : શહેરના સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરી કરોડોની કિંમતના હીરા લૂંટ કેસમાં પણ પોલીસે ઉમદા કામગીરી કરી હતી. આ ગુનાનો ભેદ સુરત શહેર અને જિલ્લા પોલીસ દ્વારા માત્ર ત્રણ કલાકની અંદર ઉકેલી આરોપીઓને દબોચી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 4.58 કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ પાસેથી આરોપીઓનો કબજો મેળવી આગળની તપાસ સુરત પોલીસે હાથ ધરી હતી. જે અંગે આજરોજ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
આરોપીઓ ઝબ્બે : સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ચકચારી કરોડોની કિંમતના હીરા લૂંટ કેસ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લૂંટની આ ઘટના બનતાની સાથે જિલ્લા પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. રાજ્યની પોલીસ સાથે પણ સુરત પોલીસ સતત સંકલનમાં હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓના લોકેશન ચેઝ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલન કરી આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ ચેકપોસ્ટ ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.