- મૂળ ગુજરાતી પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત
- માતા-પિતાની સામે બે સગા ભાઇઓના મોત
- સમગ્ર વતનમાં શોકનો માહોલ
સુરત: અમેરિકાના ઓહાયો પ્રાંતમાં ક્લેવલેન્ડ સિટીમાં રહેતા તાપી જિલ્લાના બાજીપુરાના મૂળ વતની ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલના પરિવારની કાર પાછળ પૂરઝડપે આવતી કોમર્શિયલ વાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા ધર્મેશભાઈના બંને પુત્રોના કમકમાટીભર્યા મોત થતાં સમગ્ર બાજીપુરા પંથકમાં શોકની લાગણી છવાઇ છે.
કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
આ અંગે મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામના વતની ઘણા વર્ષોથી અમેરિકાના ઓહાયો પ્રાંતમાં સ્થાયી થયા છે અને મૉટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગત્ત 12મી ડિસેમ્બરે રાત્રે મૉટેલ બંધ કરી પોતાની કારમાં પત્ની અને બે પુત્રો નીલ (19) અને રવિ (14) સાથે ઘરે જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન થોડે દૂર જતાં હાઇવે નંબર આઈ 69 પર કામ ચાલતું હોવાથી વાહનોની લાંબી કતાર લાગી હતી.
આથી તેમની કાર પણ અન્ય વાહનોની પાછળ ઊભી હતી તે સમયે એક કોમર્શિયલ વાન પૂરઝડપે આવી હતી અને ધર્મેશભાઈની કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ધર્મેશભાઈની કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક પોલીસ અને લશ્કરોની ટીમે કારમાંથી તમામને બહાર કાઢ્યા હતા. કારમાં પાછળ સવાર બે પુત્રો પૈકી નીલનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે રવિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ધર્મેશભાઈ અને તેમની પત્નીએ ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરિવારના બે સંતાનોના એક સાથે મોતથી સમગ્ર બાજીપુરા ગામમાં પણ શોકની લહેર ફેલાઇ
સ્થાનિક પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. એક જ પરિવારના બે સંતાનોના એક સાથે મોતથી સમગ્ર બાજીપુરા ગામમાં પણ શોકની લહેર ફેલાય ગઈ છે.