જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપતા મૂળ ભાવનગરના વતની વીર જવાન દિલીપસિંહ દોડીયા શહીદ થયા ગયા હતાં. જે અંગે સુરતના અમરોલી સ્થિત ઉતરાણ ખાતે રાજપૂત સહિત અન્ય સમાજ દ્વારા શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહીદ વીર જવાનોના પરિવારો, શહેર પોલીસ પરિવાર સહિત રાજપુત સમાજના લોકો પણ હાજર રહ્યા હતાં. 'એક શામ શહિદો કે નામ' અંતર્ગત આ કાર્યક્રમમાં આશરે પાંચ હજાર લોકોની જનમેદની ઉપસ્થિત રહી હતી. આ સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજર રહી વીર શહીદ જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શહીદ વીર જવાનના પરિવારમાં હાલ માસુમ નાની બાળકી છે અને માતા સહિત પત્ની છે. જેથી પરીવારનો આધારસ્તંભ બની શકે તેવું કોઈ પુરુષ સભ્ય હાલ નથી. જેથી દિલીપ સિંહ દોડીયાના પત્ની અને બાળકી સહિત માતાને શક્ય તેટલી સહાય મળી રહે તેવા પ્રયાસ રાજપૂત સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.