સુરત: અગમચેતીના ભાગરૂપે તંત્રના આદેશ બાદ આ પ્રકારના પગલાં સુરતની ફાઈવ સ્ટાર હોટેલના સંચાલકો દ્વારા ભરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનીંગ દરમિયાન જો ઇનફારેડ થર્મોમીટરમાં 100 સેલ્શિયસ જેટલું તાપમાન બતાવે તો તે અંગેની જાણ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાને કરવા સૂચના આપવામાં આવી છે. પાલિકાની અલગ અલગ ટીમો પણ આવી હૉટેલોમાં પણ જઈ સતત દેખરેખ અને નજર રાખી રહી છે.
સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર છે. કોરોના વાયરસ સામે પાલિકાની મેડિકલ ટીમ દ્વારા એરપોર્ટ પર આવતા ઇન્ટરનેશનલ યાત્રીઓનું સતત સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 400થી પણ વધુ યાત્રીઓ વિદેશથી સુરત આવ્યા છે. જેમાં ત્રણસો જેટલા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જો કે, લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે, સો જેટલા યાત્રીઓનું સ્ક્રીનીંગ બાકી છે અને રિપોર્ટ આવ્યા બાદ તેમના કોરોના વાયરસ અંગેની પૃષ્ટી થઈ શકશે. કોરોનાના કહેર વચ્ચે શહેરની ફાઈવ સ્ટાર હૉટેલોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે અને વિદેશથી આવતા તમામ યાત્રીઓનું સ્ક્રીનીંગ ઉપરાંત નામ સાથેની યાદી મોકલવા તાકીદ કરવામાં આવી છે.