સુરતઃ કોસાડ-ગોથાણ રેલવે વચ્ચે મુંબઈથી અમદાવાદ જતી ડબલ ડેકર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. ત્રણ પરપ્રાંતીય ઇસમો દારૂ પીવા માટે હજીરા લુપ લાઈન પર આવ્યા હતા. આ દરમિયાન નશાની હાલતમાં માનસિક આનંદ મેળવવા માટે તે સમયે પસાર થતી ડબલ ડેકર ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
ઘટનાની જાણ થતા RPF અને KCBનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ત્રણેય પ્રાંતીય ઈસમો નહેર નજીક બેઠા હતા, ત્યારે RPFને જોઈ ત્રણેય ઇસમોએ ભાગવાનો પ્રયાસ કરતા તેમને અટકાવ્યા હતા, પરંતુ તેમણે RPFના જવાનો પર પણ પથ્થરમારો કર્યો હતો. RPF જવાનોએ ત્રણેય ઇસમોને ઝડપી પાડી તેમને જેલ ભેગા કર્યા હતા. ત્રણેય ઈસમો ઓડિશાના રહેવાસી છે. આ ઈસમો સાયણમાં અંજની નામની કંપનીમાં કામ કરે છે. તેઓ દેશી દારુ પીવા માટે હજીરા લુપ લાઈન પર આવ્યા હતા.
સાયણ વિસ્તારમાં દેશી દારુ અને ગાંજાનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. સરકાર દારૂબંધીની વાતો કરે છે, પણ રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. ભૂત્તકાળમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના હજી વિસરાય નથી, ત્યાં સુરત જિલ્લામાં મોટા પાયે ઠેર ઠેર દેશી દારુનુ વેચાણ થઇ રહ્યું છે. હાલમાં જ સુરતમાં સાયણ વિસ્તારમાંથી મોટે પાયે ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. સમયાંતરે આ વિસ્તારમાંથી મોટે પાયે ગાંજો પકડાય છે. ઓડિશાથી આવતા પરપ્રાંતીય ઈસમો મોટાપાયે ગાંજાનું વેચાણ કરતા હોય છે. દારુ અને ગાંજાને લીધે આ વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે.