રાજ્યના પહેલાં ટુ વે કેબલ સ્ટેઈડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આકર્ષક લાઇટિંગના કારણે તેની સુંદરતા વધી ગઈ હતી. લાઈટોની ઝગમગથી ચોરો પણ આટલી હદે આકર્ષિત થયા કે કેબલ બ્રિજના લાખો રૂપિયાના LED લાઈટ ચોરાઈ ગયા છે. રાત્રીના સમયે કેબલ બ્રિજના ભાગમાં ખાસ પ્રકારની અલગ-અલગ કેપેસીટી ધરાવતી LED લાઈટ મૂકવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર કેટલી લાઈટીંગનો કલર ન આવતો હોવાની ફરિયાદ ઉઠતા સુરત મહાનગર પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં ખબર પડી કે LED લાઈટ ચોરી થઈ ગઈ છે. પાલિકા દ્વારા કરવામાં આવેલી અરજીમાં ચોરી કરનારે LED લાઈટના ફોક્સને જાળીમાં ફિટ કર્યા હતા. તે જાળીને કાપીને ચોરી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આશરે 4.50 લાખની LED લાઈટ ચોરી થવાની અરજી સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જ્યારે પોલીસે પાલિકાને આ લાઈટની કામગીરી સાથે સંકળાયેલા લોકોની માહિતી અને ચોરી થઈ ગઈ તે લાઈટના બિલ પણ માંગ્યા છે આ માહિતી બાદ પોલીસ ફરિયાદ નોંધશે. ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબર 2018ના રોજ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે તાપી નદીના અડાજણ-અઠવાલાઈન્સ વચ્ચે બનેલા કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.