સુરત : બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં સુરતની બે મહિલાઓને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. જુના મર્ડર કેસમાં સમાધાન માટે સર્જાયેલ વિવાદમાં બે પક્ષો આમને સામે આવી ગયા હતા. બે મહિલાઓને પાઇપ વડે બે યુવાનોએ માર માર્યો હતો. પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારે આજે આ ઘટનામાં એક મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી ગઈ હતી. તેણીએ પોતાના શરીર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું હતો મામલો ? આ બનાવની મળતી સત્તાવાર માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, બે મહિલાઓને પાઇપ વડે બે યુવકો માર મારી રહ્યા છે. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, થોડા વર્ષો પહેલા સુરતના પાંડેસરા ગાયત્રીનગર સોસાયટીમાં શ્રવણ સોલંકી નામના વ્યક્તિના ભાઈ પ્રવીણ સોલંકીએ ચંદન મિશ્રા નામના વ્યક્તિની હત્યા કરી હતી. આ કેસમાં ત્રણ લોકો સંડોવાયેલા હતા. બાદમાં સમાધાન કરવા માટે ચંદન મિશ્રાના ભાઈ નંદન શ્રવણ સોલંકીની બહેન અને માતાને બોલાવ્યા હતા.
વિડીયો વાયરલ થયા બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસના આધારે જ બંને પક્ષો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હું પોતે આ કેસમાં મોનેટરીંગ કરી રહ્યો છું. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ તદ્દન ખોટા છે. પૈસાની કોઈ માંગણી કરવામાં આવી નથી.-- વિજયસિંહ ગુર્જર (DCP)
મહિલાનો આક્ષેપ : આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે, પોલીસે અમારી ઉપર ખોટો કેસ કર્યો છે. અમે માર માર્યો નથી તેમ છતાં મારામારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસને રફેદફે કરવા માટે પોલીસ દ્વારા અમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી. તેઓએ અમારી પાસે પાંચ લાખ રૂપિયા માંગી રહ્યા છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
પોલીસ કાર્યવાહી : જોકે, સમાધાન બાબતે બંને પક્ષો વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. નંદન અને તેના ડ્રાઈવરે તેની માતા અને બહેનને પાઇપ વડે માર માર્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે તપાસ કરી બંને પક્ષો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં બે લોકોની ધરપકડ કરી હતી.
આત્મવિલોપનનો પ્રયાસ : આ બાબતે એક મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી ગઈ હતી. તેણીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક પોલીસકર્મીઓ તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે.