સુરત: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દુકાનમાં બેસી રહેલા લોકો પાસે પોલીસ આવી દંડ ફટકારે છે. આ વીડિયો સુરતના સલાબતપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પોલીસની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
લોકોનો વીડિયો શુટિંગ કરી દંડની ઉઘરાણી
કોરોનાના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કા વાર અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને ધંધા રોજગાર બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના સલાબતપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાપડની દુકાનની અંદર ત્રણ લોકો બેઠા છે અને આ ત્રણ લોકોએ માસ્ક નથી પહેર્યું. દુકાનની અંદર કોઈ ગ્રાહક પણ નથી. પરંતુ ત્યારે જ એક પોલીસકર્મી દુકાનમાં આવે છે અને આ લોકોનો વીડિયો શુટ કરી દંડની ઉઘરાણી કરે છે.
આ વીડિયો વાયરલ થતા લોકો પોલીસની આવી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓના જાહેર કાર્યક્રમો અને રેલીઓ વખતે કોઈ કાર્યવાહી થતી નથી અને સામાન્ય નાગરીકો પાસેથી આ રીતે દંડ વસુલવામાં આવી રહ્યો છે.
અવાર નવાર ઘર્ષણના બનાવો
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ટ્રાફિકને લઈને પોલીસ દંડ ફટકારી ઉઘરાણી કરી રહી છે. જેને લઈને અવાર નવાર ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે, તો બીજી તરફ માસ્કના નામે હવે પોલીસ આવી રીતે દુકાનમાં ઘુસી દંડ વસુલી રહી છે. ત્યારે પોલીસની આવી કામગીરી કેટલી યોગ્ય છે તે હવે પોલીસને ખુદ જ વિચારવું રહ્યું.