સુરતના અડાજણ ગામના મુખ્ય રોડ પર એવું વૃક્ષ છે, જે ૪૫૦ વર્ષ જૂનું છે. વર્ષ 2007માં તંત્રએ રોડ બનાવવા માટે આ વૃક્ષને કાપવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ સ્થાનિકોએ મોટી સંખ્યામાં વૃક્ષ બચાવવા માટે અભિયાન શરૂ કર્યુ હતું. લોકોના ઉગ્ર વિરોધના કારણે આખરે તંત્રને ઝૂકવું પડ્યું હતું.
તંત્ર જે વૃક્ષોને કાપવાની વાત કરતું હતું. આજે તંત્ર દ્વારા એ જ વૃક્ષોને હેરિટેજ વૃક્ષ જાહેર કરાયાં છે. આ વૃક્ષ સ્થાનિકો માટે ખૂબ જ અગત્ય અને લાગણી ધરાવે છે. કારણ કે તેઓની ચારથી પાંચ પેઢીથી આ વૃક્ષ સાથે જોડાયેલી છે.
અડાજણ ગામમાં આવેલા ગોરખ આંબલાનું ઝાડ કે જેને ગુલામ તરીકે સુરત આવેલાં આફ્રિકનોએ રોપ્યાં હતાં. આ ગોરખ આમલાના ઝાડને ગુજરાત રાજ્ય વન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને અડાજણ ગામના રહેવાસીઓના પ્રયાસોના કારણે વર્ષ 2012માં હેરિટેજ વૃક્ષ તરીકે સાચવવામાં આવ્યું છે. આજે 450 વર્ષ જૂનું આ ઝાડ અડીખમ ઉભું છે. આ વૃક્ષ સુરતના ઇતિહાસનું સાક્ષી છે.
વૃક્ષની રસપ્રદ માહિતી
ચારથી વધુ સદીઓથી સુરતમાં ઘણા સ્થળોએ વિશાળ વૃક્ષો જોવા મળતાં હતા, પરંતુ તેમાંથી માત્ર ગણતરીના વૃક્ષો જ અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં અડાજણ ખાતે ચોરઆમલા તરીકે જાણીતું વૃક્ષ વર્ષોથી અહીં અડીખમ છે. મૂળ આફ્રિકામાં ઉગતા આ વૃક્ષને ત્યાંની સ્થાનિક ભાષામાં "બાઓબાબ" તરીકે ઓળખવામાં આવે છે. એક હજારથી પાંચ હજાર વર્ષનું આયુષ્ય આ વૃક્ષ માટે સામાન્ય ગણાય છે. આ વૃક્ષ એક વખત ઊગી ગયા પછી તેને પાણીની જરૂરત રહેતી નથી. આ વૃક્ષના મૂળ છાલ અને ફળ ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમજ દર વર્ષે આવતાં ફૂલ અને પાન પશુઓના ચારા તરીકે વપરાય છે. કહેવાય છે કે, નાથ સંપ્રદાયના ગોરખનાથજીએ આ વૃક્ષ નીચે તપસ્યા કરીને પોતાના શિષ્યોને શિક્ષણ આપ્યું હોવાથી તેને ગોરખ આમલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના શિષ્યો આજે પણ આ વૃક્ષની પૂજા કરે છે.
ચોરઆમલી કે રૂખડો તરીકે ઓળખાતા આ વૃક્ષનું થળ આછું અને હલકું હોવાથી સહેલાઈથી તેમાં બખોલ બનાવી શકાય છે. કોઈક તો એટલું વિશાળ હોય છે કે, 30 જેટલી વ્યક્તિઓ એક સાથે તેમાં સમાઈ શકે .જેથી બખોલમાં ચોર લુંટારૂઓ તેમને ચોરીનો માલ સંતાડતા હતા. તો ક્યારેક તેઓ જાતે પણ સંતાઈ જતાં હોવાથી તેને ચોર આમલી કહેવામાં આવે છે. આફ્રિકામાં અમુક જાતિના લોકો આ વૃક્ષના થડને કોતરીને તેમાં મૃત વ્યક્તિનું શરીર મુકી દેતા હતા. સમય જતાં તે જરા પણ સડ્યા વગર મમ્મી જેવું થઈ જતું હતું. આફ્રિકામાં ગોરખ આમલીના ફળ અને છાલની રાખને તેલમાં ઉકાળી તેમાંથી સાબુ જેવો પદાર્થ પણ બનાવવામાં આવે છે.
આ ઉપરાંત માછીમાર લોકો આ વૃક્ષની છાલમાંથી તરાપા બનાવે છે. આ વૃક્ષનો ઉછેર ટીંબા જમીનમાં કે ખડકાળ જમીનમાં પણ ઝડપથી અને ઓછી મહેનતે વાવી શકાય છે. એક ફળના બીજમાંથી અને રોપા તૈયાર થઈ શકે છે. તેથી તેને સહેલાઈથી વાવી શકાય છે. સુરતના અડાજણમાં આશરે 450 વર્ષ જૂના આ ચોરઆમલા વૃક્ષને 2012ના મે મહિનામાં હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી તેની સાચવણી કરવામાં આવી રહી છે.