સુરત: ઝારખંડના સિવપુરમાં વર્ષ 2005માં પ્રેમિકાની હત્યા કરીને સુરત શહેરમાં આવીને આરોપી રહેતો હતો. પ્રેમિકા વારંવારના દુષ્કર્મને લઈને ગર્ભવતી થઈ ગયા બાદ ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કરીને સુરત આવી ગયો હતો. છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડીને ક્રાઈમ બ્રાંચની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
18 વર્ષે હત્યારો ઝડપાયો: આરોપી મુકેશ સિંહએ ઝારખંડના કોડરમામા જિલ્લાના શિવપુર ગામમાં વર્ષ 2005માં પોતાની પ્રેમિકાનો બળાત્કાર કરી તેની હત્યા કરી નાસીને સુરત આવી ગયો હતો અને પરિવાર સાથે રહેવા લાગ્યો હતો. આજ દિન સુધી તે પોતાનો વતન પણ ગયેલો નથી. આ સમગ્ર બાબતે જાણકારી મળતા આરોપી ઉપર અને તેની રહેણીકરણી ઉપર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી . તેની શંકાસ્પદ હિલચાલ જણાતા અને ઝારખંડના સતગાવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનો સંપર્ક કરી તમામ પ્રકારની વિગતો મેળવી આખરે મૂકેશસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
'આરોપી મૂળ ઝારખંડના શિવપુરનો વતની છે અને હાલ સુરત શહેરના ગોડાદરા વૃંદા પાર્ક ખાતે રહેતો હતો. તે કુરિયરના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આરોપી મુકેશકુમાર તેના ગામમાં રહેતી 18 વર્ષની એક યુવતી સાથે પ્રેમ કરતો હતો અને તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ગોપીની પ્રેમિકાને ચાર માસ નો ગર્વ હતો જેથી લગ્ન કરવા બાબતે જ્યારે બંને વચ્ચે અણબનાવ થયો ત્યારે આરોપીએ 4 માર્ચ વર્ષ 2005 ના દિવસે વહેલી સવારે 06:00 વાગ્યે તેના ઘરમાં ઘૂસી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.' -લલિત વાઘડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ક્રાઈમ બ્રાન્ચ
પિતાની અંતિમવિધિમાં પણ વતન ન ગયો: મળેલી માહિતી અનુસાર હત્યાની ઘટના બની ત્યારે આરોપીના લગ્ન થઈ ગયા હતા અને ભોગ બનનારને 4 મહિનાનો ગર્ભ હતો. જેથી, આરોપી સાથે લગ્ન કરવા જણાવતા તેણીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી સહપરિવાર સુરત શહેરમાં રહેવા આવી ગયો હતો. તે તેના પિતાના મરણની અંતિમવિધિમાં પણ ગયો ન હતો. આ દરમિયાન આજ રોજ પકડી પાડવામાં આવ્યો છે.