- હોમગાર્ડનો જવાન માસ્કના નામે વેપારીઓ પાસેથી પૈસા પડાવી લેતો
- ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકે ઓળખ બતાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો
- જાગૃત વેપારીએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો
સુરત : ગોડાદરામાં માસ્કના નામે વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હોમગાર્ડનો જવાન ઝડપાયો હતો. હોમગાર્ડનો જવાન સાગર વિનાયક ખૈરનાર દુકાનદારોને પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકે બતાવી દુકાનદારો પાસેથી 1000 થી 2000 રૂપિયાની માંગણી કરતો હતો. હોમગાર્ડનો જવાન માસ્કના નામે વેપારીઓ પાસેથી પૈસા પડાવી લેતો હતો.
દુકાનદારો પાસેથી 1000થી 2000 રૂપિયાની માંગણી કરતો
સુરતમાં ગોડાદરા ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં જ રહેતો 20 વર્ષીય સાગર ખૈરનાર હોમગાર્ડમાં ફરજ બજાવે છે. ગઈકાલે શુક્રવારે ગોડાદરામાં દુકાનોમાં હાજર વેપારીઓના મોઢા પર માસ્ક ન હોય અથવા માસ્ક મોઢાની નીચે દેખાઈ આવે એવા વેપારીઓને હોમગાર્ડ સાગર વિનાયક ખૈરનાર પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકે બતાવી હતી. વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને 500 થી 2000 રૂપિયા પડાવી લેતો હતો. સાગર પાસેથી એક નોટબુક પણ મળી આવી હતી જેમાં વેપારીઓ પાસેથી પૈસા મેળવી નોંધ કરતો હતો. જાગૃત વેપારીએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે આરોપી સાગર ખૈરનારની ધરપકડ કરી હતી.
ખાખી યુનિફોર્મમાં પૈસા પડાવતો હતો
ગોડાદરા ખાતે વાસણનો વેપાર કરતા અમૃતલાલ ભીખાભાઈ રાજપુરોહિતના દુકાને પણ હોમગાર્ડ જવાન સાગર વિનાયક ખૈરનાર યુનિફોર્મમાં માસ્ક નામે ઉઘરાણી કરવા ગયો હતો. ત્યારે વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આરોપી સાગરની ધરપકડ કરી હતી. લીંબયાત પોલીસે સાગર ખૈરનાર વિરુદ્ધ આઈપીસી કલમ 419,384 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.