સુરત : આપ સૌ જાણો છો તેમ દેશભરમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમાં સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વણસી છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત અને સજાગ રહેવા અપીલ કરવામાં આવે છે.સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે, શું નવજાત બાળકો અને નાના બાળકોને કોરોના થઇ શકે ? અને થાય તો લક્ષણ શું હોય. આ બધાંથી કદાચ સૌ કોઈ માહિતગાર જ છો,પરંતુ સુરતના બાળકમાં એક અલગ બિમારી જોવા મળી હતી.
આ MIS-C બિમારી સુરતમાં રહેતા 10 વર્ષીય બાળકમાં જોવા મળી હતી. આ બિમારી અત્યારસુધીમાં અમેરિકા, ન્યુયોર્ક જેવા દેશોમાં જ જોવા મળી હતી. સુરતમાં આ પ્રથમ કેસ હતો.
આ અંગે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડૉ.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા 10 વર્ષીય બાળકની તબિયત લથડતા તેને સારવાર અર્થે સુરતના લાલ દરવાજા જીવનદીપ કોમ્પ્લેક્સ ખાતે આવેલા પ્રખ્યાત નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને 5 દિવસથી તાવ, નબળાઈ, ખાંસી, ઉલટી, ઝાડા અને આંખો તથા હોઠ ખુબ જ લાલ હતા. આ અંગે બાળકની તપાસ ડૉ.આશિષ ગોટીએ કરી હતી અને તપાસ બાદ તેઓને આ બિમારી વિશે શંકા ગઇ હતી. બાદમાં સુરત અને મુંબઈના તબીબો સાથે તેઓએ ચર્ચા કરી હતી. પરંતુ આ બિમારી વિશે વધુ જાણકારી મળી ન હતી. પરંતુ આ બિમારી MIS-C હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારની બિમારીમાં બાળકનું હદયનું પમ્પીંગ ઓછુ થવું અને હદયને લોહી આપતી કોરોનરી ધમનીમાં ફુલાવો થતા હદય હુમલાની શક્યતા વધે છે. જેનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. પરંતુ આ 10 વર્ષીય બાળકને હદયનું પમ્પીંગ માત્ર 30 ટકા જેટલું જ હતું. સુરતની નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બાળકની સારવાર ડૉ.આશિષ ગોટી અને સહિતના તબીબોએ આપી હતી. આખરે 7 દિવસની સારવાર બાદ આ બાળક સ્વસ્થ થયું છે.
MIS-C શું છે ? તેના લક્ષણો શું હોય છે
MIS-C શું છે ? તેના લક્ષણો શું હોય છે, તે અંગે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડૉ.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, MIS-C નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડોમ ઇન ચિલ્ડ્રન. આ બિમારી મોટા ભાગે બાળકોમાં જ થાય છે. મોટા ભાગે 3 થી 20 વર્ષની વય સુધીના લોકોમાં આ પ્રકારની બીમારી જોવા મળે છે. આ બિમારીના લક્ષણોમાં હદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુખવું, શરીર પર લાલ ચાઠા પડવા, આંખો લાલ થવી, હાથ પગની ચામડીઓ ઉખડવી આ પ્રકારના લક્ષણો દેખાય તો આ MIS-C બીમારી હોવાની શક્યતા રહેલી છે.
વાલીઓ જાગૃત થવા અપીલ
ડૉ.આશિષ ગોટીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બિમારી વિશે વાલીઓ જાગૃત થાય. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ પ્રકારની બિમારીનો સુરતમાં પ્રથમ કેસ છે, જયારે પણ બાળકને આ પ્રકારની બીમારી કે, લક્ષણો દેખાય તો સારવારમાં રાહ ન જોવી. જેમ બને તેમ જલ્દી બાળકની સારવાર કરાવવી ખુબ જ જરૂરી છે. સુરતમાં આ પ્રકારની બિમારીથી બાળક સારવાર થયા બાદ સ્વસ્થ થયાનો આ પ્રથમ કિસ્સો છે અને વાલીઓને પણ સજાગ રહેવા ડૉ. આશિષ ગોટીએ અપીલ કરી હતી.