- ચાર વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બની સુરતની બાળકી
- બાળકી કુદરતી હાજરની ચેતના જ ગુમાવી બેઠી
- બાળકીનો લેટરીન પર નહોતો કંટ્રોલ
- પાંચમાં ઓપરેશન બાદ બની નોર્મલ
સુરત: બે વર્ષ પહેલા દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું નવરાત્રિમાં 5મું ઓપરેશન સફળ થતા હવે તેને આજીવન લેટરીન બેગથી મુક્તિ મળી ગઈ છે. માત્ર ચાર વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બનેલી 6 વર્ષની બાળકી પાંચ ઓપરેશન બાદ નોર્મલ બની છે. નવરાત્રિના સમયે બાળકીનું પાંચમું ઓપરેશન કરીને તેનું આંતરડું ફરી રિપોઝિટ કરવામાં આવ્યું છે. અકલ્પનીય પીડા સહન કર્યા બાદ બાળકી ઘટનાના બે વર્ષ બાદ હરતી-ફરતી થઈ છે.
બે વર્ષ બાદ મળ્યો લેટરીન બેગથી છુટકારો
જે ઉંમરે ચાર પાંચ વર્ષના બાળકો મસ્તી-મજાક અને સ્કૂલ-ટયુશનમાં સમય વિતાવતા હોય છે. એવા સમયે સુરતમાં ઓક્ટોબર,2018 માં દુષ્કર્મનો ભોગ બનેલી ચાર વર્ષની બાળકી પથારીમાં સુતા સુતા દિવસો વિતાવી રહી હતી. બાળકી કુદરતી હાજતની ચેતના જ ગુમાવી બેઠી હતી અને લેટરીન બેગના સહારે હતી. જોકે, નવરાત્રિમાં બાળકીનું પાંચમું ઓપરેશન કરીને તેનું આંતરડુ ફરી રિપોઝિટ કરવામાં આવ્યું છે. એટલે કે, તેને હવે બે વર્ષ બાદ લેટરીન બેગથી અને અસહાય પીડાથી છુટકારો મળ્યો છે. આજે તે અન્ય સામાન્ય બાળકીઓની જેમ જ હરી ફરી શકે છે.
બાળકી મોટા ભાગનો સમય સુતા સુતા જ વીતાવતી
ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મની ઘટના એટલી બધી ભયંકર હતી કે, એ સમયે જ બાળકીના આંતરિક ભાગો એક થઇ ગયા હતા. બાદમાં બાળકીનો લેટરીન પર કંટ્રોલ બિલકુલ ન હતો અને તેની સ્ટ્રોમાં બેગ બહાર લગાવાઈ હતી. જેથી બેસવાની મનાઈ હોવાથી તે મોટા ભાગનો સમય સુતા સુતા જ અને ઉભા રહીને જ વિતાવી રહી હતી.
અત્યાર સુધીમાં આશરે 200 ટાંકા લેવાયા
અમદાવાદમાં તેના બંને આંતરિક ભાગોને અલગ કરી 35 ટાંકા લેવામાં આવ્યા હતા અને ચાર ઓપરેશન કરવામાં આવ્યા હતા. બાળકીને અત્યાર સુધીમાં આશરે 200 ટાંકા લેવાઈ ચુક્યા છે. તેનું આંતરડા રિપોઝિટ કરવાનું પાંચમું ઓપરેશન સુરતમાં જ કરાયું છે. જેમાં આજે બાળકી નર્કની પરિસ્થિતિમાંથી બહાર આવી છે. શરૂઆતથી જ બાળકીના વકીલ અને તેનું ધ્યાન રાખનાર પ્રતિભા દેસાઈએ તમામ ખર્ચ પણ ઉપાડ્યો છે.
કન્યાદાન સુધીની જવાબદારી હું નિભાવીશ : પ્રતિભા દેસાઈ
જુવેનાઈલ જસ્ટિસ બોર્ડનાં સભ્ય પ્રતિભા દેસાઈ બાળકીની વકીલ છે. ન્યાય આપવાની સાથે બાળકીની અત્યંત કાળજી માતાની જેમ કરે છે. આ જ કારણ છે કે, બાળકી તેને બડી મમ્મી કહે છે. પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે તેમજ બાળકી બેસી ન શકવાને કારણે તેને ટ્રાવેલ કરી શકીએ એ પરિસ્થિતિમાં ન હતા. જેથી સુરતમાં જ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આજે બાળકી સ્વસ્થ છે અને તેના કન્યાદાન સુધીની જવાબદારી હું નિભાવીશ.
પાંચમાં દિવસથી પાણી અને જ્યુસ આપ્યું હતું : ડૉ દીપ્તિ
બાળકીની સારવાર કરનાર અને પ્રખ્યાત ગાયનેક ડો.દીપ્તિએ કહ્યું કે , અગાઉનું ઓપરેશન ચકાસવા માટે અને તેની વજાઈનાસ્કોપી કરી અને આંતરડાને પાણીને ગેસથી ઈનફ્લેટ કર્યા અને ખાતરી કર્યા બાદ ડૉ. સમીર વાડેની ટીમ સાથે મળીને આંતરડું રિપોઝિટ કરવાનું ઓપરેશન કર્યું છે. જેમાં સાડા ત્રણથી ચાર કલાક લાગ્યા હતા. બાળકીના પેટથી લઈને યુરિન સુધી બધા અંગોને વ્યવસ્થિત ચેક કરવામાં આવ્યા છે. તેને પાંચમાં દિવસથી પાણી અને જ્યુસ આપ્યું હતું. આજે તે જમતી અને હરતી ફરતી થઈ ગઈ છે.