પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં બાઇક ઉપર ત્રણ સંતાનો સાથે માતા-પિતા પારલે પોઇન્ટ અંબાજી માતાના દર્શને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક કોર્ટ બિલ્ડીંગ પાસે પતંગનો દોરો આવી જતા બાઇક પર આગળ બેસેલા ત્રણ સંતાનો પૈકી 4 વર્ષના શિવમના ગળામાં પતંગનો દોરો ભરાઈ ગયો હતો.
આ ઘટનામાં બાળકનું ગળું કપાઈ જતા પિતા સહિત આખું પરિવાર રોડ પર સ્લીપ થઈ ગયું હતું. ત્યારે ત્યાંથી પસાર થતાં પોલીસ હેડ કવાટર્સના પોલીસ કોન્સ્ટેબલ કિરીટ પટણીએ બાળકનું ગળું કપાયેલી હાલત જોઈ તાત્કાલિક બાળકને પોતાની બાઇક પર સિવિલ લઈ આવ્યા હતા. જેથી સમયસર બાળકને સારવાર મળી હતી.
બાળકના પિતા પપ્પુ સિંગ ચલથાણ ગામના અંબિકા નગરમાં રહે છે અને મિલમાં ડાઈગ ખાતામાં નોકરી કરે છે. પ્રથમ દિકરી 10 વર્ષ, બીજો પુત્ર 7 વર્ષ અને ત્રીજો પુત્ર શિવમ 4 વર્ષનો છે. કોન્સ્ટેબલ કિરીટભાઈ લોહીથી ખરડાયેલી હાલતમાં શિવમને બાઇક પર સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં ડોકટરોએ તાત્કાલીક શિવમનું ઓપરેશન હાથ ધર્યું હતું. એક પોલીસ કોન્સ્ટેબલની માનવતાના કારણે બાળકને સમયસર સારવાર મળી જતા બાળકની જાન બચી ગઈ હતી.