સુરત: ઓલપાડ તાલુકામાં કીમ નજીક ભાદોલ ગામે ખાડીમાં માછીમારી કરવા ગયેલા શખ્સનું ડૂબી જવાનાં પગલે મોત થતા ચકચાર મચી ગઇ હતી. બનેલ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
ખાડીનાં ઉંડા પાણીમાં ગરકાવ: પ્રાપ્ત માહિતી અનુસાર કીમ પોલીસની હદમાં આવેલ ભાદોલ ગામેથી પસાર થતી ખાડીમાં આશરે 35થી 40 વર્ષનો અજાણ્યો ઇસમ માછી મારી કરવા માટે ગયો હતો. ત્યારે માછીમારી કરવા ગયેલો ઇસમ કોઇ અગમ્ય કારણોસર ખાડીનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે ખાડીનાં ઉંડા પાણીમાંથી ઇસમની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના અંગેની જાણ કીમ પોલીસને કરતા બનાવનાં દોડી ગઈ હતી. ત્યાર હાલ કીમ પોલીસે મૃતકના વાલી વારસાને શોધવાની કવાયત હાથ ધરી છે.
કિમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાએ જણાવ્યું હતું કે મૃતકની ઉમર અંદાજિત 35થી 40 વર્ષની છે. ક્યાં કારણોસર મોત થયું એ હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેઓના વાલી વારસા સુધી પહોંચવાની તજવીજ શરૂ છે.
એક અઠવાડિયા અગાઉ તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો: અન્ય બનાવની વાત કરીએ તો કામરેજ ગામ પાસે પસાર થતી તાપી નદીમાં નિત્યક્રમ મુજબ માછીમારી મારો માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓની નજરે નદીમાં તરી રહેલ મૃતદેહ પર પડી હતી. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને મૃતદેહને નાવડીની મદદથી નદીના કાંઠે લાવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કામરેજ પોલીસે મૃતદેહની તપાસ કરતા મૃતકની ઉંમર અંદાજિત 35 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેઓના છાતીના ભાગે કિશુ નામનું છૂંદણું પણ હતું. હાલ તો કામરેજ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી.