- વૃદ્ધની બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો
- સ્થાનિક દ્વારા મૃતદેહ જોઈને તરત જ પોલીસને જાણ કરવામાં આવી
- મૃતકને એક મહિના પહેલા જ લિફ્ટમેન તરીકેની નોકરી મળી હતી
સુરત: શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી પદમાવતી ટેક્સટાઈલના બાથરૂમમાંથી ગઈકાલે રાત્રીએ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકને એક મહિના પહેલા જ લિફ્ટમેન તરીકેની નોકરી મળી હતી. સ્થાનિક દ્વારા લાશ જોઈને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે સી.સી.ટી.વીને આધારે વધુ તપાસ હાથ ધરી
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકનું નામ અપ્પુ કુટન હતું. તેમની ઉંમર 65 વર્ષની હતી. તેઓ ડિંડોલી મિલેનિયમ પાર્ક સોસાયટી ઘર નંબર બી-652માં રહેતા. તેઓ મૂળ કેરલના વતની હતા. ગત રાત્રીએ અપ્પુ કુટન ઘરે પહોંચ્યા ન હતા. જેથી તેમના જમાઈ મહેન્દ્રન વાસુદેવ પિલ્લઈએ થોડી વાર રાહ જોયા બાદ ફોન કર્યો હતો. પણ ફોન રીસીવ કર્યો ન હતો. મૃતકના પરિવારમાં અપ્પુ કુટન, તેમના પત્ની આમણી કુટન, મહેન્દ્રની પત્ની રહેતા હતા. પોલીસે સી.સી.ટી.વીને આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકના શરીર પર ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા
પોલીસને જયારે મૃતદેહ મળી આવ્યો ત્યારે મૃતકના શરીર પર ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જોકે પોલીસે ત્યાં લાગેલા સી.સી.ટી.વીને જોતા અને તપાસ કરતા જોવા મળ્યું કે અપ્પુ કુટન બાથરૂમમાં જાય છે પણ બહાર નથી આવતા. ત્યારબાદ કોઈ પણ દેખાતું નથી એટલે પોલીસ પણ ચકરાવે ચડી છે કે અંદરથી બીજું કોઈ બહાર આવ્યું જ નથી તો હત્યા કઈ રીતે થઇ એ કારણ શોધવા સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.