સુરત : જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યાં અનુસાર વરાછા વિસ્તારમાં આવેલી શિવ-શંકર નગર સોસાયટીના ખુલ્લા મકાનના દરવાજાનો લાભ લઇ કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના સભ્યો મહેમાન આવ્યા હોવાથી ઘરની છત પર બેઠા હતા. તે દરમિયાન ઘરના ખુલ્લા દરવાજાનો લાભ લઈ ચોરએ પ્રવેશ કર્યો હતો. જેમાં સોના-ચાંદીના ઘરેણાં સહિત બે લાખથી વધુની મત્તા ચોરી કરી અને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના અંગે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં વરાછા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે. તે દરમિયાનમાં મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડેવિડ જયંતીભાઈ સોલંકીને દબોચી લીધો હતો.
આ તકે આરોપીની તપાસ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સોના-ચાંદીના ઘરેણાં સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ વચ્ચે ક્રાઇમ બ્રાંન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી ડેવિડ રીઢો ઘરફોડનો ગુનેગાર છે. જે અગાઉ પણ વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ચુક્યો છે. એટલું જ નહીં આ પહેલા જૂનાગઢ ખાતે પણ તે ઘરફોડ ચોરીના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે. જ્યારે પાસા હેઠળ પણ તે સજા ભોગવી ચુક્યો છે. હાલ આરોપીનો કબ્જો વરાછા પોલીસને સોંપવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.