સુરતના આરટીઆઇ એક્ટિવસ્ટ સંજય ઇઝાવા સહિત શહેરના અન્ય જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા પંદર દિવસથી સુરત લોકસભા મત વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં જઈ બાંકડાઓ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં સુરત લોકસભા મત વિસ્તારની સોસાયટીઓમાં મુકવામાં આવેલ બાંકડાઓ અંગે સર્વે કરાતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. કેટલીક સોસાયટીના લોકોનું કહેવું છે કે બાંકડાઓ ચોરી થઈ ગયા છે, જ્યારે કેટલીક સોસાયટીના લોકોના જણાવ્યાનુસાર સોસાયટીમાં બાંકડાઓ જ મૂકવામાં આવ્યા નથી.
વર્ષ 2016- 17 દરમ્યાન દર્શના જરદોષ દ્વારા કુલ 4224 જેટલા બાંકડા શહેરની સોસાયટીઓ સહિત ઉધાનમાં મુકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જેની પાછળનો ખર્ચ 1.69 કરોડ બતાવવામાં આવ્યો છે. સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકોના સર્વેમાં કુલ 60 ટકા જેટલા બાંકડાઓ ચોરાઇ ગયા છે. જેથી સુરતના કુલ 9 પોલીસ મથકો અને શહેર પોલીસ કમિશ્નરને આ અંગે તપાસ કરવા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.