સુરત: દર વર્ષે નવરાત્રી દરમિયાન ગરબામાં ખેલૈયાઓ વિવિધ ડિઝાઈન અને ફેશનના ટ્રેડિશનલ પોષાક પહેરીને આકર્ષણ જગાવતા હોય છે, પરંતુ સાઉથ ગુજરાતના ખેલૈયાઓને દોઢિયાનો ટ્રેન્ડ વધુ પસંદ છે. જે રીતે સૌરાષ્ટ્રમાં ખેલૈયાઓ છત્રી ગરબા અને માટલી ગરબા, મંજીરા સાથે ગરબા અને તલવાર રાસ રમીને આકર્ષણ જગાવે છે. તેવી રીતે ગુજરાતના અલગ અલગ ગરબાઓનો એકજ ગરબો બનાવી સુરતના તાલ ગૃપે ગરબા પંડાલોમાં ધૂમ મચાવી દીધી છે. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીખિત ગરબાનો સમાવેશ કરીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે.
તાલ ગ્રુપે તૈયાર કર્યો અનોખો ગરબો: ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન લગભગ પંથકના ખેલૈયાઓ તેમના પરંપરાગત અને ભાતિગળ પોષાકના કારણે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ ખાસ સુરતમાં મહિલાઓના એક ગ્રુપે એવા ગરબા તૈયાર કર્યા છે કે, જે સમગ્ર ગુજરાતના ગરબાની પરંપરાગત શૈલીને એક જ ગરબામાં આવરી લીધી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ગરબાનો પણ તેમણે સમાવેશ કર્યો છે. 8 મિનિટનો આ ગરબો સમગ્ર ગુજરાતના ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ખાસ ગરબો સુરતની 20 મહિલાઓના બનેલા તાલ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ સ્ટેપ સાથે ખલૈયાઓ ગરબે રમે છે. ગ્રુપમાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ છે.
સમગ્ર ગુજરાતના ગરબા શૈલી દર્શાવી: ખાસ કરીને ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતના ગરબાએ તેની વેશભૂષા અને ગરબાની વિવિધ શૈલીઓ સાથે સૌ કોઈને આકર્ષ છે. સમગ્ર ગુજરાતમાં ગરબા વિવિધ શૈલીમાં રમાય છે. જો સૌરાષ્ટ્રના ગરબા પર નજર કરીએ તો મોટાભાગના ખેલૈયાઓ 2 તાલી- 3 તાલી, દોઢિયું અને ચણીયા ચોળી સાથે રમે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં લોકો રંગબેરંગી છત્રીઓ સાથે ગરબા રમે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય મહિલાઓ તલવારો સાથે ગરબા રમીને સ્ત્રી સશક્તિકરણ બતાવવાનો પ્રયાસ કરે છે. મંજીરા સાથે પણ લોકો ગરબા રમે છે. સુરતના તાલ ગ્રુપે ગુજરાતના આવા તમામ ખાસ સ્થળોના ગરબાને એક જ ગરબામાં જોડીને ગુજરાતની અનોખી સંસ્કૃતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
પીએ મોદીના ગરબાનો સમાવેશ: તાલ ગ્રુપની કૃતિકા શાહે જણાવ્યું હતું કે, આજે અમે ગુજરાતના ગરબાની વિવિધ શૈલી એક જ ગરબામાં પીરસી છે. ગરબાના અલગ-અલગ સ્ટેપ જેમાં માટલી છત્રી અને મંજીરા વગેરે આ ગરબામાં જોવા મળે છે. આઠ મિનિટ સુધીના આ ગરબામાં અમે રાજ્યના અલગ અલગ ગરબાને આવરી લીધા છે. જ્યારે ગ્રુપના અન્ય મહિલા સભ્ય પ્રીતિ બેને જણાવ્યું હતું કે, અમે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ગરબાનો પણ સમાવેશ કર્યો છે.