વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકાર કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે. આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દોડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને વૃક્ષોના નિકંદનના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે અને એટલે વિરલ દેસાઈએ પોતાની બન્ને કરોને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવી દીધી છે.
આ અંગે વિરલ દેસાઈ જણાવે છે કે, ગો ગ્રીનના સૂત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલી ગ્રીન કારમાં ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા હેઠળ જે વૃક્ષારોપણ થયું છે અને ક્યાં અને ક્યારે વૃક્ષો રોપાયા તેની માહિતી રહેશે. કેમ્પેનમાં કેવી રીતે જોડાવવું અને ક્યાં અને કેવી રીતે વૃક્ષારોપણ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કયા-કયા વૃક્ષો ઘરમાં કે બહાર કે પછી ઑફિસમાં રાખવા તેની માહિતી આપી જાગૃતતા ફેલાવવામાં આવશે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં થતા આઠમાંથી એક મૃત્યુ પ્રદૂષણના કારણે થાય છે. ત્યારે વૃક્ષો જ છે કે જે હવામાં ઑક્સીજનનું પ્રમાણ વધારી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 23,000થી વધુ વૃક્ષોનું રોપણ અને 3,300 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈને જ જાય છે. અહીં તેમને 3,800 ટ્રીગાર્ડ લગાવીને રેલવે સ્ટેશનને હરીયાળું બનાવી દીધું છે અને આ કામગીરી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે.