હાલ ઝૂંબા ડાન્સ ભારતમાં પણ ખૂબ જ પ્રચલિત છે, ત્યારે સુરતમાં પણ ઝૂંબા ડાન્સને લઇ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઉનાળાના વેકેશનમાં બાળકો કંઈક નવુ શીખી શકે તે માટે ડાન્સ ક્લાસીસ દ્વારા એક ખાસ ઝુંબા ડાન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અહીં બાળકો સ્કેટિંગના વ્હીલ પર ઝુંબા ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે.
ઝુંબા ડાન્સ વિશે કહેવામાં આવે છે કે, તે અત્યંત ઉછળકૂદ કરનાર ડાન્સ છે. જેમાં મોટાપાયે જંપ કરી ડાન્સ કરવામાં આવે છે. જે સ્કેટિંગ પર શક્ય હોતું નથી. તેમ છતાં અશક્યને શક્ય બનાવવાનું કામ સુરત ખાતે ડાન્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે. આ ડાન્સ એકેડમીમાં આવનાર બાળકો ઉનાળાના વેકેશનમાં સ્કેટિંગના વ્હિલ પર ઝુંબા ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. જેની માટે ઇન્સ્ટ્રકટર દ્વારા ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જે સુરત ખાતે એક અનોખો પ્રયોગ છે. આ ઍકેડમીમાં આશરે 50થી વધુ બાળકો ઝુંબા ડાંસ વ્હીલ પર કરી રહ્યા છે.
ઝૂંબા જેવા અઘરા ડાન્સ પર સ્કેટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અહીં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્ણ બેલેન્સની સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. બાળકોનું પણ કહેવું છે કે, ઉનાળું વેકેશનને વધુ આકર્ષક બનાવવા માટે તેઓ ઝુંબા ડાંસ સાથે સ્કેટિંગનો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ એક-બે વખત પડ્યા પણ છે, ફરીથી સ્કેટિંગ ઉપર ઝુંબા ડાન્સ કરવા લાગ્યા છે. બાળકોનું કહેવું છે કે, ઝુંબા ડાન્સ કરવાથી બેલેન્સની સાથે સાથે કોન્સન્ટ્રેશન જેવી વસ્તુઓ પણ શીખવા મળે છે. આમ તો વિદેશોમાં પ્રચલિત ઝુંબા ડાંસ લોકોની પ્રથમ પસંદ છે, પરંતુ ભારતના સુરત શહેરમાં આ ડાંસને વધુ આકર્ષક બનાવી દેવામાં આવ્યું છે.