સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના પલસાણા-કડોદરા રોડ પર બલેશ્વર ગામની સીમમાં આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં બેસતા વર્ષના દિવસે ચાર શ્રમિકો ટાંકી સફાઈ કરવા માટે ઉતર્યા હતા. ત્યારે ગૂંગળામણ થતા ચારેય શ્રમિક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા ચારેય વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ કરતા ચારેય વ્યક્તિનું મોત થયું હોવાની સામે આવ્યું હતું.
4 શ્રમિક ટાંકીમાં ઉતર્યા : પલસાણાના બલેશ્વર ગામની સીમમાં આવેલ કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં 20 થી 25 ફૂટ ઊંડી ટાંકી આવેલી છે. મંગળવારના રોજ ચાર જેટલા શ્રમિકો આ ટાંકીમાં સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. જોકે તે દરમિયાન ગુંગળામણ થતા ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા. ત્યાં હાજર અન્ય લોકોએ આ અંગે ફાયર ટીમને જાણ કરી હતી.
ગૂંગળામણથી કરુણ મોત : આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચારેય શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બેભાન શ્રમિકોની તપાસ કરવામાં આવતા ચારેયનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચારેય મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે ચારેય મજૂરોના મોત નિપજયા હતા. -- પી. બી. ગઢવી (સુરત જિલ્લા ફાયર ઓફિસર)
પિતા-પુત્રનું મોત : મળતી માહિતી અનુસાર ચાર મૃતકોના નામ અનુક્રમે ચેતન ગ્યાસીલાલ, દિપકસિંહ નામાશંકર, રાજેશ લૂમસિંગ બધૈયા અને કમલેશ રાજેશ બધૈયા છે. મૃતકોમાં રાજેશ અને કમલેશ બંને પિતા પુત્ર છે. જોકે નવા વર્ષના દિવસે જ પિતા-પુત્ર સહિત ચાર લોકોના કરુણ મોત થતા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.
પોલીસનું સત્તાવાર નિવેદન : આ અંગે બારડોલી DySP એચ. એન. રાઠોડે જણાવ્યું હતું કે, ડાઇંગમિલનું ગંદુ પાણી જે ટાંકીમાં ભેગું કરી તેને રિફાઇન્ડ કરીને બહાર કાઢવાનું હોય છે. આ ટાંકીની વર્ષમાં એક વખત સફાઈ કરવામાં આવે છે. આજે બે મજૂરો સફાઈ માટે ટાંકીમાં ઉતર્યા હતા. પરંતુ લાંબા સમય સુધી મજૂરો બહાર નહીં આવતા અન્ય બે મજૂરો પણ ટાંકીમાં ઉતરતા તેઓ પણ ગૂંગળાઈ ગયા હતા. અને ચારેયના મોત થયા હતા. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કંપનીમાં સલામતી બાબતે પણ તપાસ કરવામાં આવશે.
તંત્રની કાર્યવાહી : આ અંગે સુરત જિલ્લા ફાયર ઓફિસર પી. બી. ગઢવીએ જણાવ્યું હતું કે, કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચારેય મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે ચારેય મજૂરોના મોત નિપજયા હતા.