અમરેલી : તાજેતરમાં અમરેલી ડુપ્લીકેટ લેટર કાંડ મામલે પોલીસે એક યુવતી સહિત ચાર આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કમ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. જોકે, આ દરમિયાન યુવતીને પણ સરાજાહેર લઈ જવાતા હવે આ મુદ્દે વિવાદ સર્જાયો છે અને રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે.
અમરેલી ડુપ્લીકેટ લેટર કાંડ : વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ છે. જોકે, આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જે દરમિયાન યુવતીને પણ જાહેરમાં લઈ જવામાં આવી. ઉપરાંત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી. હવે આ મુદ્દે વિવાદ સર્જાયો છે.
આરોપી યુવતીના મુદ્દે વિવાદ સર્જાયો : આ મામલે હવે વિપક્ષોએ પોલીસ વિભાગ અને ભાજપ પર નિશાન સાધવાનું શરુ કર્યું છે. બીજી તરફ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આરોપી મહિલાને મળવા માટે જેલ પણ ગયા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર જેલમાં મહિલા આરોપીને મળ્યા હતા.
"દીકરીને રાત્રીના 12:00 વાગે લઈ જાવ છો, સરકાર અને પ્રજાના નેતાઓનું વર્તન સંવેદનશીલ હોવું જોઈએ, છતાં તેનાથી વિપરીત દાખલો જોવા મળી રહ્યો છે." -- જેનીબેન ઠુમ્મર (પ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ)
અમરેલી જિલ્લાના SP નો ખુલાસો : સમગ્ર મામલે અમરેલી જિલ્લાના SP સંજય ખરાટે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, પકડાયેલા આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા. વોટ્સએપ થકી સંપર્કમાં રહીને ચેટ આરોપીઓએ ડીલીટ કરી નાખ્યા હતા. અમુક પુરાવાનો પણ નાશ કર્યો છે. જેને લઇને એક દિવસના રિમાન્ડ દરમિયાન કાયદાકીય પ્રક્રિયા મુજબ પુરાવા એકત્ર કરવા માટે આરોપીને સાથે રાખી અને જે તે સ્થળ પર લઈ ગયા હતા.
કોંગ્રેસ પક્ષે કર્યા ગંભીર આક્ષેપ : આ મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને નરેશ પટેલને પત્ર પાઠવ્યો છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી દીકરીને આરોપી બનાવી રાત્રિના બાર વાગ્યે મહિલાની અટકાયત કરી, બીજા દિવસે રી-કન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, જે ગેરબંધારણીય છે. ભાજપના નેતાઓના અહમ સંતોષવા પોલીસ કાયદા વિરુદ્ધ કૃત્ય કરી રહી છે. પ્રતાપ દુધાતે સમાજના મોભી નરેશ પટેલને પણ પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
"આમા અમારે કઈ જવાબ દેવાનો થતો નથી. કેસ બની ગયો છે, આ પોલીસનો મામલો છે. મૂળ કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરી રહી છે." -- ભરત સુતરિયા (સાંસદ, અમરેલી)
જેનીબેને અમરેલી પોલીસ પર કર્યો કટાક્ષ : ડુપ્લીકેટ લેટર કાંડ મામલે આરોપીઓને ઝડપી પાડવાની અમરેલી પોલીસની કામગીરીને સરહાનીય કહીને આડકતરી ભાષામાં પ્રહાર કરતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, નકલી પત્રના આરોપીને પકડી પાડ્યા તો ડ્રગ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી શકાય. જિલ્લામાં રેતી ચોરી અને બળાત્કાર-હત્યા સતત વધતી રહી છે, તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
ડો. ભરત કાનાબારે કર્યા પોલીસ કાર્યવાહી પર સવાલ : ભારતીય જનતા પાર્ટીના દિગગજ નેતા ડો. ભરત કાનાબારે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું કે, દીકરીનો રોલ જોબ વર્કનો ભાગ છે, તેનો કોઈ રોલ નથી. દીકરી કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી. રિકન્ટ્રક્શન તરીકે દીકરી પર અતિરેક કરવામાં આવ્યો છે. પોલીસે જે સક્રિયતા પત્રકાંડમાં બતાવી તે દારૂ અને રેતી ચોરીમાં બતાવે.
ધારાસભ્ય મહેશ કસવાલાએ કર્યો વળતો પ્રહાર : આ મામલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજની બહેન-દીકરીની મર્યાદાને ભારતીય જનતા પાર્ટી એક જવાબદાર તરીકે સમજીએ છી. જે પ્રકારની ગેરમાન્યતા, ગેરસમજ ફેલાવવામાં આવી છે તે અંગે જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા પણ આપી છે. સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો દીકરીના પરિવારની સાથે સંપર્કમાં છે. પાટીદાર-પાટીદાર વચ્ચે જુદાપણું કરીએ, વૈમનસ્ય પેદા કરવાની ગંદી રાજનીતિથી બચવું જોઈએ.