સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય ડિમ્પલ પ્રદીપભાઈ દુબે નામની પરિણીતાને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા પરિવાર 20મીના રોજ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યું હતું. જ્યાં મહિલાના રિપોર્ટમાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ મોડી રાત્રે અચાનક મહિલાની તબિયત વધુ લથડતા મહિલાનું મોત થયું હતું. મહિલાના મોત અંગે પરિવારે હોસ્પિટલમાં હોબાળો પણ મચાવ્યો હતો.
પરિવારે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબ સામે ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા હતા.મૃતક મહિલાના પતિ અને સસરાએ આરોપ લગાવતા જણાવ્યું કે,હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર આપવામા આવી નથી. મહિલાને યોગ્ય સારવાર ન મળતા મોત થયું છે.
હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે, મહિલાની કન્ડિશન ખૂબ જ ક્રિટીકલી હતી. શહેરમાં વકરી રહેલા રોગચાળો વધ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.જે હવે આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બની રહે છે.