સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રોડ પર અંડર ગ્રાઉન્ડ પીવાના પાણીની ટાંકીમાં સાફ-સફાઈ કરવા માટે ઉતરેલા બે મજૂરો બેભાન થયા હોવાની ઘટના સામે આવતા જ લોકો દોડતા થઇ ગઈ હતી. જોકે બંને મજૂરોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા બંને મજૂરોનું સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
આ ઘટના આજે સવારે બની હતી. સવારે 10:30 વાગ્યાની આસપાસ ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 5 પર ખાતા નંબર 46,47 અને 48 સીટી ઇન્ડસ્ટ્રીયલ શ્રીજી એન્જિનિયર આવેલ અંડર ગ્રાઉન્ડ પીવાના પાણીની ટાંકીમાં સાફ-સફાઈ કરવા માટે મજુર ઉતારેલા હતા. ટાંકી લગભગ 12 એક ફૂટ હશે. એક બાદ એક મજૂરો બેભાન થઇ ગયા હતા. જોકે તેઓનો અવાજ નહીં આવતા ત્યાંના લોકો દોડી આવ્યા હતા. - જય ગઢવી ( ફાયર વિભાગના ઓફિસ)
મજૂરોનું સહી સલામત રેસ્ક્યુ : વધુમાં જણાવ્યુ કે, અંદર અંધારું પણ ખુબ હતું. જેથી તેઓને બહાર કાઢવા માટે ફાયર કંટ્રોલરૂમ દ્વારા કોલ આપવામાં આવ્યા હતો. જ્યાં માન દરવાજા અને ભેસ્તાન ફાયરની ટીમ પહોંચીને ત્યાં ઓક્સિજનનો બાટલો પહેરી નીચે જઈ બંને મજૂરોનું સહી સલામત રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યો હતો. જેમાં એક મજુરની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તો અન્ય એક મંજુર જેઓને હોસ આવી જતા તેઓ ઠીક થઈ ગયા હતા, પરંતુ તેઓને પણ તેમના સાથી મિત્ર સાથે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. આ બંને મજૂરોના નામ દિનેશ ભાઈ અને મિલન ભાઈ છે જેઓ મોટા વરાછામાં રહે છે.