સુરત : શહેરના સચિન GIDC વિસ્તાર ખાતે નિર્માણાધીન બિલ્ડીંગની બાજુમાં મિલની દિવાલ પડી જતા ચાર મજૂરો દબાયા હતા. બે મજૂરોને સ્થાનિકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા, પરંતુ અન્ય બે ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકનું રેસ્ક્યુ કરીને તરત જ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે એક મજુરને જેસીબી અને હાઇડ્રોલિક મશીનના માધ્યમથી દોઢ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતો. આ ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે.
શુું હતી સમગ્ર ઘટના : સુરત શહેરના સચિન GIDCમાં વહેલી સવારે દિવાલ પડી જવાના કારણે ચાર જેટલા મજૂરો દબાઈ ગયા હતા. ચારે શ્રમિકો નવનિર્મિત બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરી રહ્યા હતા, અચાનક જ ભારે વરસાદના કારણે દિવાલ ધસી જતા આ ચાર મજૂરો પર દિવાલ પડી ગઈ હતી. આ દિવાલ પડી જવાના કારણે આ ચારે મજૂરો નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા ત્યાં હાજર લોકો એ તરત જ ફાયર વિભાગને જાણકારી આપી હતી અને પોતે પણ મજૂરોને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. ફાયર વિભાગની ગાડી જ્યાં સુધી સ્થળે પહોંચે તે પહેલા જ ત્યાંના સ્થાનિકોએ બે શ્રમિકોને બહાર કાઢી દીધા હતા.
સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા : ઘટનાની જાણ થતા ડીંડોલી અને સચિન GIDC વિસ્તારના ફાયર વિભાગના અધિકારીઓ ગાડી સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્રીજા શ્રમિકને કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્રીજા શ્રમિકને રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યો હતો, પરંતુ ચોથા શ્રમિક દીવાલના કારણે ખૂબ જ અંદર ધસી ગયો હતો. તેથી તેને બહાર કાઢવા માટે જેસીબી અને હાઇડ્રોલિક મશીનની મદદ લેવામાં આવી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ ચોથા શ્રમિકને પણ જમીનમાં નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ચારે શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ભરત બારીયા નામના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
અમે પાણીની ટાંકી માટે કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ વરસાદના કારણે દિવાલ ધસી જતાં ચાર જેટલા અમારા શ્રમિકો દબાઈ ગયા હતા. અમે તમામ લોકો તેમને કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. ભરત બારીયા નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે. ભરત 40 વર્ષનો હતો અને સચિન GIDC ખાતે આવેલા ખેતેશ્વર હોટલની બાજુમાં રહેતો હતો. પરિવાર માટેની પત્ની અને બે દીકરી તેમજ એક છોકરો છે. તેઓ મૂળ દેવગણ બારીયાના રહેવાસી હતા. - ધનસુખ પટેલ (સમગ્ર ઘટનાને નજરે જોનાર)
ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે : ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે સચિન GIDCની અંદર દિવાલ પડી જવાના કારણે ચાર એક શ્રમિકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સચિન ફાયર સ્ટેશન અને ડીંડોલી ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિભાગ ઘટના સ્થળે પહોંચે તે પહેલા બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે ફાયર વિભાગ દ્વારા એક વ્યક્તિનો રેસ્ક્યુ કરીને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે ચોથા વ્યક્તિને જેસીબી અને હાઇડ્રોલિકની મદદથી સવા કલાકની ભારે જેમ જ બાદ તેને સહી સલામત જીવિત કાઢી બહાર નીકાળવામાં આવ્યા હતા.